કિસ્સા કુર્સી કા: પૉલિટિકસ મેં ભી સટ્ટા હોતા હૈ

30 November, 2019 12:08 PM IST  |  Mumbai | Raj Goswami

કિસ્સા કુર્સી કા: પૉલિટિકસ મેં ભી સટ્ટા હોતા હૈ

ઈન્કલાબ ફિલ્મનું પોસ્ટર

જસપાલ ભટ્ટી યાદ છે જેણે ૮૦-૯૦ના દાયકામાં એવા રાજકીય વ્યંગ કર્યા હતા (અને એ પણ સરકારી દૂરદર્શન પર! આજે એવું થાય?) કે તે ગરીબ-મધ્યમવર્ગી ભારતીય નાગરિકની પરેશાનીઓ અને આક્રોશના અવાજ બની ગયા હતા? મહારાષ્ટ્રમાં જેવી રીતે અડધી રાત્રે અજિત પવાર દેવન્દ્ર ફડણવીસના ઘોડા પર ચડીને નાસી ગયા અને સવાર પડતાં સુધીમાં બન્નેએ ‘જાન પાછળ આવે છે’ કહીને માંડવો રચી દીધો એ જસપાલના કોઈક એપિસોડથી કમ નહોતું. ઇન ફૅક્ટ, ‘ફુલ ટેન્શન’ના એક એપિસોડમાં જસપાલ એક પક્ષના પ્રમુખને કહે છે, ‘ભોલાનાથજી, હમારે હોતે હુએ આપકો કિસ બાત કી ચિંતા? હમ આપકો ઐસે એમએલએ દિલવાયેંગે કિ આપકી સરકાર કંઈ ઘંટો તક કોઈ હિલા નહીં સકતા.’
મહારાષ્ટ્રમાં સત્તા માટે બીજેપી, કૉન્ગ્રેસ, શિવસેના અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે જે નાતરાં કર્યાં અને રાતના અંધારામાં જે ખેલ પડ્યા એ લોકશાહી માટે અને બંધારણ માટે શરમજનક છે. જો રાજકારણીઓની ભાવી પેઢી સત્તાના આવા ખેલ જોઈને મોટી થવાની હોય તો ભવિષ્ય આનાથી બહેતર હશે એવો વિશ્વાસ કેવી રીતે આવે? અને આ પહેલી વાર તો થયું નથી. રાજકારણની ગંદકીના લોકો સીધા સાક્ષી ન હોય તો તેમને હિન્દી ફિલ્મોએ વખતોવખત એ યાદ કરાવ્યું છે કે ખુરશીના ખેલ કેવા હોય છે.
હિન્દી ફિલ્મો ભલે કડવી વાસ્તવિકતાને ભૂલવા માટેનો ત્રણ કલાકનો કલ્પનાવિહાર કહેવાતી હોય, પણ એમાં વાસ્તવિકતાને પણ નજરઅંદાજ કરાઈ નથી. સિત્તેરનો દાયકો બેરોજગારી, ભ્રષ્ટાચાર, ગરીબી અને મોંઘવારીનો સમય હતો અને ઘણી ફિલ્મોમાં એ વાસ્તવિકતાને ઝીલવામાં આવી હતી. ૧૯૭૭માં જેને સંપૂર્ણપણે રાજકીય ફિલ્મ કહેવાય એવી ફિલ્મ ‘કિસ્સા કુર્સી કા’ આવી. સત્તા માટે રાજકીય પક્ષો જે કાવાદાવા કરે છે (જેવું મહારાષ્ટ્રમાં થયું) એના પર ‘કિસ્સા કુર્સી કા’ એક વ્યંગાત્મક ફિલ્મ હતી. ફિલ્મ તો બહુ નબળી હતી, પરંતુ એના ટાઇટલમાં ભારતીય રાજકારણની વરવી વાસ્તવિકતા એટલી સટીક રીતે પ્રતિબિંબિત થઈ હતી કે એ આજે પણ સાધારણ લોકો અને સમાચારપત્રોની ભાષામાં એક રૂપક તરીકે પ્રચલિત છે.
અમૃત નહાટા રાજસ્થાનના બાડમેર લોકસભા મતવિસ્તારના કૉન્ગ્રેસના બે વખતના સંસદસભ્ય હતા અને કટોકટી પછી કૉન્ગ્રેસ છોડી ગયા. તે સાહિત્યના રસિક પણ હતા અને તેમણે મૅક્સિમ ગોર્કી, જોસેફ સ્ટૅલિન, વાલ્દિમીર લેનિન અને માઓ ઝેદોંગનાં પુસ્તકોને હિન્દીમાં અનુવાદિત કર્યાં હતાં. તેમને ફિલ્મો બનાવવાનો શોખ હતો અને ત્રણ ફિલ્મો બનાવી હતી: ‘સંત જ્ઞાનેશ્વર,’ ‘રાતોં કા રાજા’ અને ‘કિસ્સા કુર્સી કા’ બનાવી હતી. એ પછી તે જનતા પક્ષની ટિકિટ પર પાલી મતવિસ્તારમાંથી ત્રીજી વખત ચૂંટાયા. એમાં તેમણે ઇન્દિરા ગાંધી અને પુત્ર સંજય ગાંધીના રાજકારણ પર વ્યંગ કરેલો અને ઇન્દિરાની સરકારે ફિલ્મ પર પ્રતિબંધ ફરમાવી દીધો.
ફિલ્મમાં રંગમંચના કલાકાર મનોહર સિંહ દુષ્ટ રાજકારણી ગંગારામ ‘ગંગુ’ની ભૂમિકા કરે છે, જે ‘જનતા’ (શબાના આઝમી) તથા એક ખચ્ચરને લલચાવવાનો પ્રયાસ કરે છે. એમાં સંજય ગાંધીના મારુતિ ઉદ્યોગ પ્લાન્ટ, ઇન્દિરાના ખાસ ગુરુ ધીરેન્દ્ર બ્રહ્મચારી, સચિવ આર. કે. ધવન અને સંજય ગાંધીની અંતરંગ (અને ઍક્ટ્રેસ અમૃતા સિંહનાં માતા) રૂકસાના સુલતાનાની ભરપૂર મજાક ઉડાડવામાં આવી હતી.
ગંગારામનો સેવક તેને કહે છે, ‘સાહેબ, આ યુવાન છોકરાને નાની મોટરકાર બનાવવાનું લાઇસન્સ આપોને, કારણ કે તે તેની માતાના પેટમાંથી શીખીને આવ્યો છે.’ સંસદની બેઠકમાં આ ગંગારામ એક ભાષણમાં મુઠ્ઠીઓ પછાડીને કહે છે, ‘મૈં પ્રતિજ્ઞા કરતા હૂં કિ યા તો ભ્રષ્ટાચાર કો ખતમ કર દૂંગા યા ખુદ ખતમ હો જાઉંગા.’ કેટલું પરિચિત લાગે છે, નહીં?
બીજા એક દૃશ્યમાં સરકાર ઉંદરને રાષ્ટ્રીય દુશ્મન જાહેર કરે છે; કારણ કે સરકારના મતે ગરીબી, સડેલાં અનાજ ભંડાર, ખોવાઈ ગયેલી ફાઇલો અને સરકારી બાબુઓની બિનકાર્યક્ષમતા માટે ઉંદરો જવાબદાર છે. સરકાર એના માટે એક યોજના જાહેર કરે છે જેમાં નાગરિકોએ ઉંદર પકડવાના અને નજીકની સરકારી ઑફિસમાં જમા કરાવીને ઇનામ લઈ જવાનું. આખા દેશમાં ‘ઉંદર પકડો’ અભિયાન શરૂ થઈ જાય છે. બહુ વર્ષો પછી ટેલિવિઝનના પ્રસિદ્ધ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન જસપાલ ભટ્ટીએ ઉંદરોની દુશ્મની પર આખો એપિસોડ બનાવ્યો હતો. હકીકતમાં ઇન્દિરાની કટોકટીમાં અમલદારો અજીબોગરીબ કામો કરતા હતા એના પર આ વ્યંગ હતો.
સેન્સર બોર્ડે ફિલ્મને મંજૂરી ન આપી અને ફિલ્મની બધી પ્રિન્ટને જપ્ત કરીને ગુડગાંવની મારુતિ ફૅક્ટરીમાં લઈ જઈને સળગાવી દેવામાં આવી હતી. પાછળથી ઇન્દિરા સામે શાહ કમિશન બેઠું હતું, એણે ફિલ્મને સળગાવી દેવા માટે સંજય ગાંધી અને માહિતી-પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લાને દોષિત ઠેરવ્યા હતા. પછી એ કેસ કોર્ટમાં ગયો અને ૧૧ મહિના સુધી સંજય અને શુક્લા એમાં લડતા રહ્યા. એમાં બન્નેને ૨૫ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી. પાછળથી આ ચુકાદો ઊલટાવી દેવાયો હતો.
ઇન્દિરા ગાંધી પર જીવનચરિત્ર લખનાર ગાંધીપરિવારની મિત્ર પુપુલ જયકર લખે છે કે એ દિવસોમાં ઇન્દિરા સખત તનાવમાં હતી અને તેણે મદદ માટે પુપુલને દિલ્હી બોલાવી હતી. ‘કિસ્સા કુર્સી કા’ કેસનો ચુકાદો આવ્યો એના એક દિવસ અગાઉ ઇન્દિરા પુપુલ પાસે ધ્રુસકે-ધ્રુસકે રડી હતી, કારણ કે તેને અંદરખાનેથી ખબર પડી હતી કે સંજયને સાડાસાત વર્ષની સખત કેદની સજા કરવામાં આવવાની છે.
આ એકમાત્ર એવી ફિલ્મ છે જેને કોઈએ જોઈ નહોતી છતાં એ ઇન્દિરા-સંજયના કુશાસન સામે એક શક્તિશાળી અવાજ બની ગઈ હતી. નહાટાને આજેય કોઈ જાણતું નથી, પણ આ એક ફિલ્મ માટે તેમનો ઉલ્લેખ થાય છે. નહાટાએ ૧૯૭૮માં ફિલ્મને ફરી બનાવી અને તત્કાલીન માહિતી-પ્રસારણ મંત્રી એલ. કે. અડવાણી પાસે વળતરરૂપે એક કરોડ રૂપિયા માગ્યા હતા. અફકોર્સ, વળતર નહોતું મળ્યું. આ નહાટાનું એપ્રિલ ૨૦૦૧માં અવસાન થયું. ‘કિસ્સા કુર્સી કા’ હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
આવી જ બીજી એક વ્યંગ્યાત્મક ફિલ્મ હતી રાજેશ ખન્નાની ‘આજ કા એમ.એલ.એ. રામ અવતાર’ (૧૯૮૪). રાજેશ ખન્નાના ચાહકોએ કાકાને આવા કાર્ટૂન જેવા રોલમાં જોવાની કલ્પના પણ કરી નહીં હોય, પણ ત્યારે તેનો સિતારો આથમી ગયો હતો અને અમિતાભ બચ્ચનનો ચડી રહ્યો હતો. અમિતાભ એ જ વખતે ‘ઇન્કિલાબ’ નામની પૉલિટિકલ ફિલ્મ લઈને આવ્યો અને યોગાનુયોગ બન્ને સુપરસ્ટાર અસલી જિંદગીમાં પણ કૉન્ગ્રેસના સંસદસભ્ય બન્યા હતા.
‘કિસ્સા કુર્સી કા’માં નેતાઓ સત્તા મેળવીને કેવા ભ્રષ્ટ અને દુષ્ટ થઈ જાય છે એનો વ્યંગ હતો તો ‘આજ કા એમ.એલ.એ. રામ અવતાર’માં એક સાધારણ માણસ ધારાસભ્ય બનીને કેવો બદલાઈ જાય છે એનો માર્મિક કટાક્ષ હતો. એમાં રામ અવતાર એક ગામમાં નાઈ છે. તે વિધુર છે અને તેની સાળી સુષમા (એ રોલમાં પણ શબાના આઝમી છે) તેનાં બે બાળકોને ઉછેરે છે. રામ અવતાર મંત્રી દિગ્વિજય સિંહની પણ સાફસફાઈ કરતો હોય છે. દિગ્વિજયના પક્ષને ચૂંટણીમાં ઉમેદવારની જરૂર પડે છે તો તે રામ અવતારનું નામ સૂચવે છે અને રામ અવતાર ચૂંટણી જીતીને મોટો નેતા બની જાય છે.
તેલુગુ ઍક્ટર-પ્રોડ્યુસર-ડિરેક્ટર દસારી નારાયણ રાવે તેમની હિટ તેલુગુ ફિલ્મ ‘એમએલએ યેડુકોન્ડાલુ’ (જેમાં તેમણે ખુદ રોલ કર્યો હતો)ને હિન્દીમાં બનાવી હતી. ‘આજ કા એમ.એલ.એ. રામ અવતાર’ એના નામથી જ વિવાદાસ્પદ બની ગઈ હતી અને ઘણા રાજકારીઓએ એના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી એટલે ઘણી જગ્યાએ ફિલ્મને ટાઇટલ વગર જ ચાલુ કરી દેવાતી હતી જેથી ખાલી રામ અવતાર નામ હોય એવું લાગે.
બન્ને ફિલ્મ ૧૯૮૪માં બની હતી. ‘આજ કા એમ.એલ.એ. રામ અવતાર’ પહેલી બની હતી, પરંતુ ગાંધી પરિવાર સાથેની દોસ્તીનો ઉપયોગ કરીને અમિતાભે એને સેન્સરમાં અટકાવી રાખી હતી અને ‘ઇન્કિલાબ’ને પહેલી લીલી ઝંડી આપી દીધી હતી. ‘ઇન્કિલાબ’ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થઈ અને ‘આજ કા એમ.એલ.એ.’ બીજી માર્ચે. અમિતાભ ત્યારે અલાહાબાદ લોકસભા મતવિસ્તારમાંથી ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ. એન. બહુગુણાને હરાવીને સંસદસભ્ય બન્યો હતો. રાજેશ ખન્નાએ એ વર્ષોમાં કૉન્ગ્રેસ માટે પ્રચાર શરૂ કરેલો અને ૧૯૯૧માં તે નવી દિલ્હીની બેઠક પરથી એલ. કે. અડવાણીને હરાવીને સંસદમાં ગયો હતો.
‘આજ કા એમ.એલ.એ. રામ અવતાર’માં તો ભારતીય રાજકારણની ગંદકી પર નિર્દોષ વ્યંગ માત્ર હતો, પણ ‘ઇન્કિલાબ’માં તો હિંસા હતી. ‘આજ કા એમ.એલ.એ.’ની જેમ જ એમાં પણ હીરો અમર નાથ સિનેમાની ટિકિટો વેચતો ગરીબ-બેરોજગાર છોકરો છે જે ‘ગરીબોં કી પાર્ટી’ના એક દુષ્ટ રાજકારણી શંકર નારાયણ (કાદર ખાન)ની મદદથી છેક મુખ્ય પ્રધાનની ખુરશી સુધી પ્રગતિ કરે છે, પણ જ્યારે તેની પાસેથી કઠપૂતળીની જેમ કામ લેવાય છે ત્યારે તે રાજકારણને ગંદા લોકોથી મુક્ત કરાવવા માટે કૅબિનેટની બેઠક બોલાવીને તમામે તમામ મંત્રીઓને મશીનગનથી ઉડાવી દે છે.
સેન્સર બોર્ડને આ ફિલ્મ વાંધાજનક લાગેલી અને બહુ બધા કટ સૂચવ્યા હતા, પણ ઉપર મંત્રાલયમાંથી ફિલ્મને લીલી ઝંડી આપવામાં આવી હતી. મદ્રાસ સેન્સર બોર્ડે તો આખી ફિલ્મ જ રિજેક્ટ કરી દીધી હતી અને પુનર્વિચાર માટે મુંબઈમાં રિવાઇઝ કમિટી પાસે મોકલવામાં આવી તો એણે પણ રિજેક્ટ કરી દીધી હતી. ‘ઇન્કિલાબ’ના કન્નડ નિર્માતા એન. વીરાસ્વામીએ એને રાજેશ ખન્નાની ‘આજ કા એમ.એલ.એ.’ કરતાં વહેલી રિલીઝ કરવાની લાયમાં ૧૭ જાન્યુઆરીની તારીખે ૧૦૫ થિયેટર બુક કરાવી રાખ્યાં હતાં અને હવે સેન્સર બોર્ડ એને પાસ કરવાના મૂડમાં નહોતું. અમિતાભે એમાં તેની વગનો ઉપયોગ કર્યો અને માહિતી-પ્રસારણ વિભાગના અધિકારીઓ માટે ખાસ શો ગોઠવ્યો.
ત્યારે ૨૪ જાન્યુઆરી તો થઈ ગઈ હતી અને અમિતાભ પણ એને સમય પર રિલીઝ કરાવી શકશે કે કેમ એ શંકા હતી; કારણ કે  ફિલ્મની ફાઇલ મુંબઈમાં હતી, પ્રિન્ટ દિલ્હીમાં હતી અને એની નેગેટિવ મદ્રાસમાં. તેમ છતાં મદ્રાસ પ્રાદેશિક સેન્સર બોર્ડના ઑફિસર જોસેફ ડૉમિનિકને ૨૫ જાન્યુઆરીએ જ ફિલ્મમાં જરૂરી કટ સાથે સેન્સર સર્ટિફિકેટ આપવા આદેશ કરવામાં આવ્યો. સર્ટિફિકેટ તો આપવામાં આવ્યું, પણ કટ કરવા શક્ય નહોતા કારણ કે ફાઇલ, પ્રિન્ટ અને નેગેટિવ અલગ-અલગ સ્થળોએ હતી. ૨૬ જાન્યુઆરીએ રજા હતી અને કોઈ લૅબોરેટરી રાત્રે કામ કરતી નહોતી જે તાત્કાલિક ૧૨૫ કટ કરી શકે. આ અવરોધો વચ્ચે ‘ઇન્કિલાબ’ ૨૫ જાન્યુઆરીએ પૂરા દેશમાં રિલીઝ થઈ.
‘આજ કા એમ.એલ.એ.’ અને ‘ઇન્કિલાબ’ બન્ને ફિલ્મમાં એક સામ્ય એ હતું કે ભારતનો એક સાધારણ માણસ કેવી રીતે દેશનો સર્વોચ્ચ નેતા બની શકે છે. એ આ દેશની લોકશાહીની કમાલ છે, પણ લોકશાહીને અભડાવવામાં પણ આવી છે અને એ હકીકતમાંથી ‘કિસ્સા કુર્સી કા’ આવી હતી. વરિષ્ઠ ઍક્ટ્રેસ સુરેખા સિકરીએ ‘કિસ્સા કુર્સી કા’થી ડેબ્યુ કર્યું હતું અને એમાં તેનો એક સંવાદ હતો જે મહારાષ્ટ્રના તાજેતરના રાજકારણને સટીક રીતે પેશ કરે છે: આપ વ્યાપારી હૈ, ધંધેવાલે હૈ, આપ ચુનાવ કે ચક્કર મેં ક્યૂં પડતે હૈં? પૉલિટિકસ મેં ભી સટ્ટા હોતા હૈ. આપ ઇસ ઘોડે કો છોડીએ ઔર જીતનેવાલે ઘોડે પર દામ લગાઈએ.

amitabh bachchan maharashtra shiv sena