ઝીનત આન્ટીનું માનવું કે પછી મુમતાઝ મૅમનું?

25 April, 2024 11:49 AM IST  |  Mumbai | Rashmin Shah

થોડા દિવસો પહેલાં બૉલીવુડની આ બે સિનિયર ઍક્ટ્રેસ લિવ-ઇન રિલેશનના મામલે સોશ્યલ મીડિયા પર આમને-સામને આવી ગઈ. આ પ્રકારનો સંબંધ યોગ્ય કે અયોગ્ય એનો જવાબ મેળવીએ કેટલીક જાણીતી વ્યક્તિઓ પાસેથી

ઝીનત અમાન , મુમતાઝ

આજે પણ એવી ઘણી હોટેલ છે જે અનમૅરિડ કપલ્સને રૂમ નથી આપતી. આજે પણ એવા ઘણા અપાર્ટમેન્ટ છે જે અનમૅરિડ કપલને ભાડા પર ઘર આપવાનું ટાળે છે. પોતાના કામ માટે બીજા સિટી કે સ્ટેટમાંથી મુંબઈ જેવા મેટ્રોમાં આવીને રહેતા ઘણા યંગસ્ટર્સ લિવ- ઇનમાં રહેવાનું પસંદ કરે છે અને તેમણે પાર્ટનર સાથે એક છત નીચે મૅરેજ વિના સાથે રહેવા માટે રીતસર ઘર શોધવામાં ફાંફાં મારવાં પડે એવા અઢળક કિસ્સાઓ છે. મૅરેજ પહેલાં એક છોકરો અને છોકરી સાથે રહે એ વાતને જ કલ્ચરલ ટૅબુ એટલે કે પારંપરિક અપરાધના રૂપમાં જોવામાં આવે છે ત્યારે કેટલાક કિસ્સાઓએ કાયદાકીય પરવાનગી પામેલી આ પ્રકારની રિલેશનશિપને વધુ હીન નજરે જોવાની દિશા ખોલી છે.

આફતાબ પૂનાવાલા અને શ્રદ્ધા વાલકરનો કિસ્સો તમને યાદ જ હશે. લિવ-ઇનમાં રહેતી શ્રદ્ધાએ જીવ ગુમાવવો પડ્યો હતો. મુંબઈથી દિલ્હી શિફ્ટ થયા અને એ પછી આફતાબ પૂનાવાલા શ્રદ્ધાનું મર્ડર કરી ડેડ-બૉડીને ફ્રિજમાં ભરી રોજ બેચાર ટુકડાનો નિકાલ કરવા જતો. આ આખી ઘટનાએ દેશભરમાં ધ્રુજારી પ્રસરાવી દીધી હતી. હવે આવીએ મુદ્દાની વાત પર. પીઢ અભિનેત્રી ઝીનત અમાને પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પરથી મૅરેજ પહેલાં લિવ-ઇન રિલેશન કમ્પલ્સરી ગણાવ્યું અને એના માટે સ્પષ્ટતા કરી કે દૂર રહીને પ્રેમ કરવો એ જુદી વાત છે અને એક છત નીચે એકબીજાની આદતોની સાથે ઍડ્જસ્ટમેન્ટ કરવું એ અલગ વાત છે. ઝીનત અમાને કહ્યું હતું કે લગ્ન પહેલાં સાથે રહેવાનો અનુભવ જરૂરી છે. જોકે ઝીનત અમાનની આ કમેન્ટનો મુમતાઝે વિરોધ કરતાં કહ્યું કે ફૉલોઅર્સ વધારવા અને કૂલ આન્ટી તરીકે પોતાને એસ્ટૅબ્લિશ કરવા માટે પ્રયત્ન કરતી ઝીનત અમાનની વાત સમાજને ગેરમાર્ગે દોરનારી છે, જેનું પોતાનું લગ્નજીવન ડિસ્ટર્બ રહ્યું હતું એવી ઝીનતને આ વિષય પર બોલાવાનો અધિકાર જ નથી. 

વેલ, આ બન્નેના પોતાના અભિપ્રાયો માટે પોતાના તર્ક છે. આ જ વિષયને વધુ નજીકથી સમજવા કેટલાક બીજા અગ્રણી સાથે અમે વાતો કરી વિષયને વધુ ઊંડાણથી જોવાની કોશિશ કરી છે.

ઇસ તાલ્લુકાત મેં મુમકિન નહીં હૈ તલાક, અરે યે મોહબ્બત હૈ, કોઈ શાદી નહીં : ડૉ. પ્રકાશ કોઠારી (સેક્સોલૉજિસ્ટ)


એક કિસ્સો કહું. રિયલ છે. મારા જ પેશન્ટની વાત છે. મારે ત્યાં એક કપલ નિયમિત બેત્રણ મહિને આવે. એ લોકો મને સેક્સોલૉજિસ્ટ તરીકે નહીં, સાઇકોલૉજિસ્ટ તરીકે કન્સલ્ટ કરતાં. એ કપલ લિવ-ઇન રિલેશનશિપમાં રહે. એ બન્ને વચ્ચે કોઈ પ્રૉબ્લેમ નહોતો પણ બેત્રણ મહિનામાં એક-બે ઘટના એવી ઘટે કે એ બન્નેને લિવ-ઇનમાંથી છૂટાં પડવાનું મન થઈ આવે. લોકો એવા જાતજાતના પ્રશ્નો પૂછે કે લિવ-ઇનમાં રહેતાં એ બન્નેને પણ પોતાની એ રિલેશનશિપ પર શંકા થવા લાગે એટલે મારી પાસે કલાકેક વાત કરે, થોડાં હળવાં થાય અને પછી ચાલ્યાં જાય. થોડા સમય પછી એ કપલ આવતું બંધ થઈ ગયું. છ-આઠ મહિના જેટલો સમય પસાર થઈ ગયો એટલે આપણને ટેન્શન થાય એટલે મેં સામેથી જ તેને ફોન કર્યો અને પૂછ્યું કે ભાઈ બધું બરાબર ચાલે છેને? તો મને જવાબમાં એ છોકરાએ કહ્યું કે સર, અમે બન્નેએ એક શેર વાંચ્યો અને એ શેરે અમારા પર એવી અસર કરી કે હવે અમને લોકોના સવાલોથી, લોકોની શંકાથી કોઈ અસર નથી થતી.
મેં એ શેર પૂછ્યો એટલે એ છોકરાએ મને શેર કહ્યો...ઇસ તાલ્લુકાત મેં મુમકિન નહીં હૈ તલાક અરે યે મોહબ્બત હૈ, કોઈ શાદી નહીં આ બે લાઇને એ લોકોને પણ બધું સમજાવવાનું કામ કર્યું તો આ જ બે લાઇન અત્યારે તમારી વાતનો પણ જવાબ આપી રહી છે. તમારા વચ્ચે પ્રેમ છે એનાથી મોટી બીજી કોઈ વાત જ નથી અને પ્રેમ નહીં હોય તો મૅરેજ જેવા એક પણ બંધન એ જન્માવી નહીં શકે. એટલે મહત્ત્વનો પ્રેમ છે અને જો પ્રેમ હોય તો પછી લિવ-ઇનમાં રહે તો એનાથી કંઈ નુકસાન નથી. સેલ્ફ-ડિસિપ્લિન સાથે એક ચોક્કસ સમયગાળો જાતને આપવામાં આવે તો એ પણ ખોટું નથી. એનાથી રિલેશનશિપમાં પણ ડિસિપ્લિન આવશે અને જીવનમાં ડિસિપ્લિન પણ જરૂરી છે જ.

સારા મુરતમાં થતા લગ્નજીવનમાં પણ ભંગાણ પડતું આપણે જોઈએ જ છીએ :  વર્ષા અડાલજા (સાહિત્યકાર)

સાચું કહું તો આ વિષય તર્કબદ્ધ વાતો સાથે લાંબી ચર્ચા માગી લે એ પ્રકારનો છે. આપણે જોઈએ છીએ કે સારા મુરતમાં અગ્નિની સાક્ષીએ થયેલાં લગ્ન પણ તૂટી જાય છે અને આપણે એ પણ જોઈએ છીએ કે સાચો પ્રેમ કરનારા એકબીજાને મળ્યા વિના પણ વર્ષોનાં વર્ષો ખેંચી કાઢે છે. જનરેશન જે રીતે બદલાય છે અને બદલાતી જનરેશન વચ્ચે જે પ્રકારે સોસાયટી બદલાય છે એ જોતાં થોડું સારું લાગે કે સીધેસીધા એકબીજાની સાથે રહેવાનું શરૂ કરતાં પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં રહે તો લગ્નજીવનમાં પણ ફરક પડી શકે છે. માનવીય સંબંધોની એક ખાસિયત છે. માણસ જ્યારે થોડી વાર માટે કે થોડા કલાકો માટે મળતો હોય છે ત્યારે તે પોતાના મૂળભૂત સ્વભાવને કાબૂમાં રાખતો હોય છે. આ સહજ છે. સારા રહેવું અને સારી વ્યક્તિ તરીકે ઓળખાવું 
બધાને ગમે, પણ એ જ વ્યક્તિ સાથે તમે રહેવાનું શરૂ કરો તો તેનો મૂળ રંગ દેખાવાનો શરૂ થાય. એવું નથી કે તે ખરાબ છે પણ તે જે મૂળભૂત સ્વભાવને રોકતો હતો એ સ્વભાવ બહાર આવવા માંડે. એ બહાર લાવવા તમારે તેની સાથે ઊઠવું-બેસવું અને સાથે રહેવું પડે. મને લાગે છે જે લિવ-ઇન રિલેશનશિપ થોડા સમયમાં તૂટી હશે એમાં જો પહેલેથી જ મૅરેજ કરાવવામાં આવ્યાં હોત તો કદાચ એવું બન્યું હોત કે એ મૅરેજ તૂટ્યાં હોત. મૅરેજ થયાં હોત તો કદાચ દુનિયાદારીની દૃષ્ટિએ તેમણે બાળક પણ કર્યું હોત તો એ નવી જિંદગીએ પણ હેરાનગતિ સહન કરવી પડી હોત. કહેવાનો ભાવાર્થ એ કે લિવ-ઇન ખરાબ છે એવું તમે કહી ન શકો અને અગ્નિની સાક્ષીએ લગ્ન થાય એ પ્રથા વધારે સારી છે એવું પણ તમે કહી ન શકો.

માબાપ જીવનસાથી શોધે એ પ્રક્રિયા જ ખોટી છે : ફાલ્ગુની વસાવડા (ઍક્ટિવિસ્ટ)


હું પર્સનલી માનું છું કે કોણે કઈ રીતે રહેવું એ આપણો એટલે કે સોસાયટીનો પ્રશ્ન હોઈ જ ન શકે, આપણે એ બાબતમાં માથું મારવું ન જોઈએ. બાળક કે ટીનેજર સુધી હજી પણ સમજી શકાય કે પેરન્ટ્સ એ લોકોની લાઇફમાં ઇન્ટરેસ્ટ લે, પણ ઍડલ્ટ થઈ ગયેલાં છોકરા-છોકરીએ કોની સાથે રહેવું એ પણ પેરન્ટ્સ નક્કી કરે એ મને તો બરાબર નથી જ લાગતું. તમે જુઓ, દુનિયામાં આપણા દેશ સિવાય ક્યાંય આ પ્રકારની મૅરેજ-સિસ્ટમનું અસ્તિત્વ નથી. માત્ર આપણે જ છીએ જ્યાં માબાપ છોકરા માટે છોકરી કે છોકરી માટે છોકરો શોધવાની ઍક્ટિવિટી કરે છે. તમારે એની સાથે રહેવાનું નથી, તમારે એ છોકરા કે છોકરી સાથે લાઇફ કાઢવાની નથી તો પછી તમે કેવી રીતે એ નક્કી કરો કે મૅરેજ આની સાથે જ કરવાનાં. મૅરેજ હોય કે લિવ-ઇન, એ મૅચ્યોર્ડ કપલનો અંગત નિર્ણય છે અને એ લોકોએ જ એ બાબતમાં વિચારવું જોઈએ. જેને એ વિશે બોલવાનો હક નથી એ જ લોકો એ વિશે બોલીને તેમને વધારે કન્ફ્યુઝ કે પછી વધારે અપસેટ કરે છે.

social media zeenat aman life and style columnists sex and relationships Rashmin Shah