21 February, 2025 01:31 PM IST | London | Gujarati Mid-day Correspondent
૧૨ વર્ષની દીકરીને સ્વતંત્ર રીતે રહેતી શીખવવા માટે મમ્મીએ તેને અલગ ઘર બનાવી આપ્યું
બ્રિટનના ઑડ્રી બાર્ટન નામની મહિલાએ સોશ્યલ મીડિયા પર પોતાની ૧૨ વર્ષની દીકરીને ઇન્ડિપેન્ડન્ટ બનાવવાના પ્રયોગની વાત શૅર કરી હતી. સ્વતંત્રતા અને જવાબદારી શીખવવા માટે મહિલાએ દીકરીને બધું જ પોતાની જાતે મૅનેજ કરવું પડે એવું શીખવવા માટે અલાયદું ઘર બનાવી આપ્યું છે. ઘરની બાજુમાં આવેલા ગૅરેજની ઉપર એક રૂમ, કિચન, બાથરૂમ તેમ જ હીટિંગ અને કૂલિંગ સિસ્ટમ બેસાડીને અલાયદું ઘર બનાવાયું છે જેમાં ૧૨ વર્ષની દીકરીએ એકલીએ જ બધું કામ મૅનેજ કરવાનું રહેશે. રાંધવાનું, ઘર સાફ કરવાનું, કપડાં ધોવાનાં વગેરે કામો તેણે જાતે જ કરવાં પડશે. એ માટે તેણે ૨૧ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. દીકરીને સ્વતંત્રતાના પાઠ ભણાવવા માટે અને પોતાની રહેવાની જગ્યાને કઈ રીતે મેઇન્ટેન કરવાની એની તાલીમ માટે આ કામ કરવામાં આવ્યું છે. ઑડ્રીનું કહેવું છે કે તે દર બે મહિને એક વાર ઘરને સાફ કરીને અરેન્જ કરી આપશે.