03 May, 2025 06:26 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાની યુઝરે શૅર કરેલો વાયરલ મીમ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
કાશ્મીરના પહલગામ હુમલા બાદ, ભારતે પાકિસ્તાન વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી હેઠળ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી, પાકિસ્તાની નાગરિકોના વિઝા સ્થગિત કર્યા અને રાજદ્વારી સંબંધોને ઓછા કર્યા છે.
સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય તાત્કાલિક નથી, આ વિષય પર ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ, આ નિર્ણય પાડોશી દેશ માટે ખૂબ મોટો ફટકો છે કારણ કે પાકિસ્તાન આર્થિક મોરચે સતત પાછળ રહ્યો છે અને તેની અર્થવ્યવસ્થાનો મોટો ભાગ હજુ પણ ખેતી પર નિર્ભર છે. સિંધુ નદી, જે પાકિસ્તાનની જીવનરેખા છે, તે પાકિસ્તાનની 80 ટકા ખેતીલાયક જમીનને પાણી પૂરું પાડે છે. તેની લગભગ એક તૃતીયાંશ જળવિદ્યુત પણ સિંધુ નદીના પાણી પર આધારિત છે. જો કે, એવું લાગે છે કે પરિણામની ચિંતા કરવાને બદલે, પાકિસ્તાની નાગરિકોની પ્રતિક્રિયા દેશને ટ્રોલ કરવા માટે મીમ્સ અને કટાક્ષપૂર્ણ ટિપ્પણીઓ કરવા સુધી મર્યાદિત રહી છે. એક યુઝરે મીમ પોસ્ટ કરીને કહ્યું કે પાકિસ્તાનીઓને હવે નહાવા માટે પણ ભારત પાસે પાણી માગવું પડશે, જ્યારે બીજા યુઝરે કહ્યું કે ભારતે પાકિસ્તાન પર હુમલો ન કરવો જોઈએ કારણ કે સરકારે ઘણા દેશોનું દેવું ચૂકવવાનું છે. સિંધુ જળ સંધિ અંગે એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે "મને ચિંતા નથી, કારણ કે હું સ્નાન પણ કરતો નથી." ત્યારે જ બીજા યુઝરે શૅર કર્યું કે, "ભારત તમને જે કંઈ કરવું હોય તે જલ્દી કરો, મારી પરીક્ષાઓ આવવાની છે."
પહલગામ હુમલા પર પ્રતિક્રિયા આપતા ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે. પાકિસ્તાને પણ 30 એપ્રિલથી તેની સરહદોમાં યુદ્ધ અભ્યાસની શરૂઆત કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના લીધે યુદ્ધની પણ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. પાકિસ્તાની નાગરિકો પોતે જ પોતાના દેશની મજાક ઉડાવી રહ્યા છે.
હકીકતમાં, લોકો પાકિસ્તાનનો સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવી રહ્યાં છે. શુભમ નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં પાકિસ્તાની નાગરિકો પોતાના દેશની મજાક ઉડાવી રહ્યા છે. એક પાકિસ્તાની યુવાને કહ્યું, "જો ભારત આપણા પર કબજો કરે છે, તો તેણે આપણું બધું દેવું ચૂકવવું પડશે." પાકિસ્તાની નાગરિકોએ એવા મીમ્સ શૅર કર્યા છે જેને સાંભળીને તેમના વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ માથું પકડી લેશે!
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સરકારે ૨૦૨૫ની ૧ મેએ એક નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં એ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને હવે બૉલિવૂડ ગીતો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે જ, પહલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનીઓ પર અનોખી ડિજિટલ સ્ટ્રાઇક શરૂ કરી છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો અલી ઝફર અને માહિરા ખાન બાદ ઑલિમ્પિક મેડલિસ્ટ જૅવલિન થ્રોઅર અર્શદ નદીમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને પણ બ્લૉક કરવામાં આવ્યું છે. તે ઇન્સ્ટાગ્રામ પર ઑલમોસ્ટ ૫.૭ મિલ્યન ફૉલોઅર્સ ધરાવે છે.