હાથ-પગ ન હોવા છતાં પાંચ વર્ષની ટબૂકડી છે જિમ્નૅસ્ટિક્સ-સ્ટાર

07 June, 2019 09:49 AM IST  |  ઇંગ્લૅન્ડ

હાથ-પગ ન હોવા છતાં પાંચ વર્ષની ટબૂકડી છે જિમ્નૅસ્ટિક્સ-સ્ટાર

પાંચ વર્ષની આ ટબૂકડી જિમ્નૅસ્ટિક્સ સ્ટાર છે

બાળક સ્વસ્થ જન્મ્યું હોય અને પછી એક ભૂલને કારણે તે શારીરિક રીતે એવું અક્ષમ થઈ જાય છે કે તે પોતાનું એકેય કામ જાતે કરી શકે એમ ન હોય એના જેટલી દુખની વાત બીજી કોઈ ન હોઈ શકે. મેનિન્જાઇટિસ એક એવો રોગ છે જે એક વાર થાય તો એમાંથી ઊગરી ગયા પછીની જિંદગી પણ અત્યંત આકરી હોય. ઇંગ્લૅન્ડના સમરસેટ શહેરમાં રહેતી પાંચ વર્ષની હાર્મની રોઝ એલન નામની બાળકી એનું જીવંત ઉદાહરણ છે.

તે જ્યારે જસ્ટ ૧૧ મહિનાની હતી ત્યારે તેને મેનિન્જાઇટિસ થયો. તેનો જીવ બચી શકે એવા માત્ર ૧૦ ટકા ચાન્સ હતા. ડૉક્ટરોએ હાર્મનીનો જીવ બચાવવા માટે તેના ચારેય હાથ-પગ કાપી નાખવા પડ્યા. આખરે જીવ બચી ગયો પણ જીવન કઈ રીતે જીવાશે એ સવાલ બહુ મોટો ખડો થયો.

હાર્મનીની મમ્મી ફ્રેયા જસ્ટ પચીસ વર્ષની હતી અને દીકરીને આ હાલતમાં કઈ રીતે ઉછેરશે એ બાબતે અસમંજસમાં હતી. દીકરી માંડ પોતાના પગે ચાલતી થયેલી અને ભગવાને હાથ-પગ અને નાકનું ટેરવું લઈ લીધું. જોકે હાર્મની બહુ રમતિયાળ હતી. કપાયેલા હાથ-પગને પણ આમતેમ વીંઝતી રહેતી અને શરીરના અન્ય મસલ્સનો ઉપયોગ કરીને અહીં-તહીં ફુદક્યા કરતી. નવાઈની વાત એ છે કે તે બીજાં બાળકોને ગુલાંટિયાં ખાતાં જોઈને તે જાતે પણ એમ કરવાનો પ્રયત્ન કરતી. એ જોઈને તેની મમ્મીને વિચાર આવ્યો જિમ્નૅસ્ટિક્સ શીખવવાનો.

આ પણ વાંચો : આ માણસનું મોઢું નથી, પર્સ છે

જિમ્નૅસ્ટિક્સના તેના કોચને પણ શરૂઆતમાં તો મૂંઝારો થતો કે હાથ-પગ વિના તેને શાના પર બૅલૅન્સ કરતાં શીખવવું. જોકે હાર્મનીએ પોતાની રીતે બૉડીને ગુલાંટિયાં ખવડાવીને માથા પર પોતાના શરીરને સંતુલિત રાખતાં શીખવી લીધું. એ પછી તો કોચે પણ ક્રીએટિવિટી વાપરીને બે હાથ-પગવાળાઓ માટે અસંભવ લાગે એવાં સ્ટન્ટ્સ માટેની તાલીમ આપી. અત્યારે પાંચ વર્ષની આ ટબૂકડી જિમ્નૅસ્ટિક્સની સ્ટાર છે.

england offbeat news hatke news