નાશિકના ટીનેજરે કર્યો સાઇક્લિંગમાં વિશ્વવિક્રમ

26 November, 2020 07:28 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

નાશિકના ટીનેજરે કર્યો સાઇક્લિંગમાં વિશ્વવિક્રમ

ઓમ મહાજન

નશિકના ૧૭ વર્ષના ઓમ મહાજને કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું ૩૬૦૦ કિલોમીટરનું અંતર સાઇકલ પર ૮ દિવસ ૭ કલાક ૩૮ મિનિટમાં પાર કરીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. શ્રીનગરમાં શિયાળાની ઠંડી રાતે સફરની શરૂઆત કર્યા પછી ગયા શનિવારે બપોરે કન્યાકુમારીમાં ઓમે પોતાનો સાઇકલ પ્રવાસ પૂરો થયો હતો. 

ઓમ મહાજન દોડવાની અને સાઇક્લિંગની સ્પર્ધાઓમાં ઘણા વખતથી ભાગ લે છે. તે રેસ અક્રૉસ અમેરિકામાં ભાગ લઈ ચૂક્યો છે. સામાન્ય રીતે રેસ અક્રૉસ અમેરિકા નવેમ્બર મહિનામાં યોજાય છે. એ માટે છ મહિના પહેલાં તેણે ટ્રેઇનિંગ શરૂ કરી હતી. જોકે બદલાયેલા સંજોગોમાં તેણે અમેરિકાને બદલે રેસ અક્રૉસ ઇન્ડિયા‍માં સાઇક્લિંગ કરવાનું નક્કી કર્યું હતું. ટીનેજર કૅટેગરીમાં ઓમનો આ કારનામો ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ નોંધાયો છે. 

ગિનેસ બુકમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાઇક્લિંગની આ પહેલાંનો રેકૉર્ડ વિશ્વ વિક્રમ ઓમના કાકા મહેન્દ્ર મહાજનને નામે નોંધાયેલો હતો. તેમનો વિક્રમ લશ્કરમાં સેવારત લેફ્ટનન્ટ કર્નલ ભરત પન્નુએ તોડ્યો હતો. તેમણે ૮ દિવસ ૯ કલાકમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું અંતર પાર કર્યું હતું. જોકે એને ઑફિશ્યલી વિક્રમનું સ્થાન મળે અને નોંધણી થાય એ પહેલાં ઓમ મહાજને તેથી ઓછા સમયમાં એ અંતર સાઇકલ પર પાર કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. 

ઓમ મહાજને અમેરિકાના કાના ખાતે સ્પોર્ટ્સ મૅનેજમેન્ટના ગ્રૅજ્યુએશન કોર્સમાં ઍડ્મિશન લીધું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાઇક્લિંગના અભિયાનમાં ઓમ સાથે તેના પિતા, કાકા અને રેસ અક્રૉસ અમેરિકાના અનુભવી કબીર રાયચુરે સહિત કેટલાક અનુભવીઓની ટીમ પણ હતી. 

nashik maharashtra offbeat news hatke news