પાંચ વર્ષની છોકરીનો હાથ એસ્કલેટરમાં ખેંચાઈ ગયો

17 August, 2019 09:13 AM IST  | 

પાંચ વર્ષની છોકરીનો હાથ એસ્કલેટરમાં ખેંચાઈ ગયો

ચીનના હાન્ચુઆન શહેરમાં એક મૉલમાં બનેલી ઘટનાનો વિડિયો જોતાં જ હલબલી જવાય એવું છે. પાંચ વર્ષની એક બાળકી તેની મમ્મી સાથે એસ્કૅલેટર પરથી પસાર થઈ રહી છે. સામાન્ય રીતે ઑટોમૅટિક નિસરણીની બાજુમાં જે હૅન્ડરેલ હોય એને અડકવાની ના પાડવામાં આવે છે, પણ બાળકી રમતાં-રમતાં એ રેલિંગ પર હાથ મૂકી રાખે છે.

જોકે જે સ્પીડમાં રેલિંગ મૂવ થઈ રહી હોય છે એમાં અચાનક જ બાળકીનો હાથ એટલો ખેંચાઈ જાય છે કે રેલિંગની નીચેના કાણામાં છેક કોણી સુધીનો અંદર હાથ ઘૂસી જાય છે અને બાળકી જમીન પર ચત્તીપાટ થઈ જાય છે. તરત જ મૉલના ટેક્નિ‌શ્યનો તરત જ એસ્કૅલેટર બંધ કરી દે છે એટલે તેનો હાથ વધુ અંદર ખેંચાતો અટકી જાય છે. જોકે એમ જ હાથ ખેંચીને બહાર કાઢી શકાય એમ ન હોવાથી બાળકી પીડાથી રડવા લાગે છે.

આ પણ વાંચો: 68 વર્ષથી આ કપલ રોજ એકબીજાને મૅચિંગ કપડાં જ પહેરે છે

ટેક્નિશ્યનો શસ્ત્રસંરજામ સાથે આવે છે અને એસ્કૅલેટરના નીચેના બૉક્સને ખોલી નાખે છે અને એ પછી એક પટ્ટી દૂર કરતાં બાળકીનો હાથ નીકળી આવે છે. નસીબ જોગે તેનો હાથ જ્યાં ભરાયો હતો એ બખોલ જેવું હોવાથી તેની આંગળીઓ અને હથેળી સહીસલામત રહી છે, પણ કાંડા અને કોણીના ભાગે ખાસ્સી ઇજા થઈ હતી જેના માટે પાટાપિંડી કરીને સારવાર આપવામાં આવી હતી. ટૂંકમાં આ વિડિયો પરથી એટલું સમજવું જરૂરી છે કે બાળકો એસ્કૅલેટર પર હોય ત્યારે તેઓ આજુબાજુમાં ક્યાંય કુતૂહલ માટે અડાઅડ ન કરે એનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે.

offbeat news hatke news gujarati mid-day