97 વર્ષનાં મહિલાની અપીલ : વૅક્સિન લેવાનું ચૂકશો નહીં

10 May, 2021 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં ૯૭ વર્ષનાં એક મહિલા રસીનું મહત્ત્વ સમજાવી રહ્યાં છે. પત્રકાર લતા વેન્કટેશે આ વિડિયો ટ્વિટર પર મૂક્યો છે.

97 વર્ષની આ મહિલા રસીનું મહત્ત્વ સમજાવી રહ્યાં છે

કોવિડ-19 સામેની લડતમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક મુખ્ય છે. જોકે કોવિડથી બચવા હવે વૅક્સિનેશન સૌથી જરૂરી હથિયાર છે. દુનિયાભરના લોકો માત્ર પોતાના નહીં, પોતાની આસપાસના લોકોની સુરક્ષા માટે રસી લઈ રહ્યા છે.

જોકે ઘણા લોકો હજી રસી લેતાં અચકાઈ રહ્યા છે. ઘણા કિસ્સામાં તાવ તથા શરીરના દુખાવાની ફરિયાદ થતી હોવાથી એના સહિતની રસીની આડઅસરને કારણે પણ લોકો રસીકરણ માટે આગળ આવતાં અચકાઈ રહ્યા છે. ક્યારેક કોઈક અફવાને લીધે પણ લોકો રસી લેતાં અચકાય છે. જોકે એની સાથે જ રસીની જરૂરિયાત સમજાવતાં અને એના વિશે જાગરૂકતા ફેલાવતા વિડિયો પણ આવી રહ્યા છે.

આવો જ એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં ૯૭ વર્ષનાં એક મહિલા રસીનું મહત્ત્વ સમજાવી રહ્યાં છે. પત્રકાર લતા વેન્કટેશે આ વિડિયો ટ્વિટર પર મૂક્યો છે. 

વિડિયોમાં મહિલા કહે છે કે ૯ માર્ચે મેં પહેલો ડોઝ લીધો હતો. બીજો ડોઝ ૯ મેએ લેવાનો છે જેની હું રાહ જોઈ રહી છું. રસી સુરક્ષિત છે અને એ લેતાં જરાય તકલીફ નથી પડતી. રસી લેતાં જરાય ગભરાશો નહીં. રસી આપના તેમ જ આપની આસપાસના લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ વિડિયોને અત્યાર સુધી ૧,૨૨,૭૦૦ વ્યુઝ મળ્યા છે.

offbeat news hatke news coronavirus covid19