04 May, 2025 10:44 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
આ ગામમાંથી ન દુલ્હો બહાર જાય છે ન દુલ્હનઃ ગામમાં જ પિયર અને ગામમાં જ સાસરું
સામાન્ય રીતે એક જ ગામમાં રહેતા લોકોમાં લગ્ન ન કરાય એવી પ્રથા મોટા ભાગના ભારતમાં જોવા મળે છે, પરંતુ મધ્ય પ્રદેશમાં દેવગઢ ચોલી નામનું ગામ એનાથી સાવ જ વિપરીત છે. આ ગામના લોકો ગામમાં જ પરણે છે. ગામની બહારના યુવક કે યુવતી સાથે લગ્ન કરવાનું અહીં ચલણ જ નથી. એને કારણે છોકરીઓનું પિયર અને સાસરિયું બન્ને કાં તો આમનેસામને હોય કે પછી આજુબાજુની ગલીમાં હોય એવું જ બને છે. થોડા દિવસ પહેલાં અક્ષયતૃતીયાના અવસરે ગામમાં લગભગ ડઝનેક યુગલોનાં લગ્ન થયાં હતાં.
આ ગામમાં ક્યારેય બહારથી જાન આવતી નથી કે નથી અહીંથી જાન બીજા કોઈ ગામમાં જતી. ચોલી ગામને દેવોની નગરી દેવગઢ કહેવાય છે. મોગલકાળથી અહીં યદુવંશી ઠાકુર સમાજની અનોખી પરંપરા ચલણમાં છે. ગામમાં જ રહેતાં યુવક-યુવતીનાં લગ્ન થતાં હોવાથી બન્ને એકમેકને અને પરિવારને વર્ષોથી જાણતાં હોય છે. એને કારણે લગ્નમાં વિશ્વાસઘાત કે છળકપટ થવાની સંભાવના બહુ જ ઓછી હોય છે. ગામમાં અંદરોઅંદર બધા જ એકમેકનાં કોઈક ને કોઈક રીતે નજીક કે દૂરનાં સગાં થાય છે. લગ્ન માટે બે પરિવારોના કુળ અને ગોત્રને ધ્યાનમાં રખાય છે. આ પરંપરા મોગલકાળથી ચાલી આવી છે. એ સમયે મોગલો આ ગામમાંથી છોકરીઓને ઉઠાવીને લઈ જતા હતા એટલે રાતના અંધારામાં ગામમાં જ લગ્નની પરંપરા શરૂ થઈ. ગામમાં કુલ ૭૦૦ ઘરોમાં ૫૦૦૦થી વધુની આબાદી ઠાકુર સમાજની છે. ગામમાં સમાજના ૪૨ ગોત્રના લોકો છે એટલે લગ્ન કરવામાં સહૂલિયત રહે છે.