અહીં ફુટપાથ પર વેચાઈ રહ્યા છે આઇફોન-14

28 September, 2022 10:51 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

દર વખતે ચીનમાં આઇફોનનું નવું મૉડલ લૉન્ચ થયા બાદ કાળાબજાર અને એને ઊંચી કિંમતે વેચવાની કામગીરી જોરશોરથી ચાલે છે

ચીનના ફુટપાથ પર વેચાઈ રહ્યા છે આઇફોન-14

કેટલીક બ્રૅન્ડ્સની ગ્લોબલી ડિમાન્ડ હોય છે. આવી જ બ્રૅન્ડ્સમાં ટૉપ પર ઍપલ છે. આઇફોનની નવી સિરીઝ આવતાં જ લોકોમાં જેમ બને એમ ઝડપથી એને ખરીદવાની દોડ શરૂ થઈ જાય છે. જોકે ચીનમાં આ વખતે કંઈક અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે, જેની ચીનના સોશ્યલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.

દર વખતે ચીનમાં આઇફોનનું નવું મૉડલ લૉન્ચ થયા બાદ કાળાબજાર અને એને ઊંચી કિંમતે વેચવાની કામગીરી જોરશોરથી ચાલે છે. જોકે ચીનમાં આઇફોન-14 બ્લૅક માર્કેટમાં વેચનારાઓને આંચકો લાગ્યો છે. તેઓ રસ્તા પર એને વેચવા મજબૂર થયા છે. નફો તો છોડો, તેઓ ખોટમાં વેચવા તૈયાર હોવા છતાં કોઈ ફોન ખરીદવા તૈયાર નથી.

જે વસ્તુની ખૂબ ડિમાન્ડ હોય છે એનું બ્લૅક માર્કેટ થાય છે. કાળાબજારિયાઓ સ્ટૉક કરીને પછી એને ઊંચી કિંમતે વેચીને નફો કમાય છે. લોકો અહીં જલદી આઇફોન ખરીદવાના ચક્કરમાં આવા લોકોને વધારે રૂપિયા આપી દે છે. જોકે આ વખતે કાળાબજારિયાઓએ એને ઑફિશ્યલ લૉન્ચ પ્રાઇસથી પણ ઓછી કિંમતે સેલ કરવું પડી રહ્યું છે.

‘સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ’ના અહેવાલ અનુસાર આ વખતે ચીનના લોકોને આઇફોન 14નું બેઝિક મૉડલ ગમ્યું નથી. અહીં ફક્ત આઇફોન-14 પ્રોની ડિમાન્ડ વધારે છે. એવામાં જેમણે બેઝિક મૉડલનો સ્ટૉક કર્યો હતો તેમને ભારે નુકસાન થયું છે.

offbeat news iphone china apple beijing