07 October, 2025 11:54 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
રામરતન અને રામદેવી
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ૭૬ વર્ષના રામરતન ગુપ્તા અને તેમની ૭૦ વર્ષની પત્ની રામદેવી ગુપ્તા પાછલી જિંદગી મજાથી જીવતાં હતાં. રામરતન આ ઉંમરે પણ ધંધો કરતા હતા અને તેમનો હર્યોભર્યો પરિવાર પણ હતો. પતિ-પત્નીનો પ્રેમ એટલો અતૂટ હતો કે તેઓ દરેક સામાજિક કાર્યમાં સાથે ને સાથે જ રહેતાં. જોકે શનિવારે સવારે અચાનક રામદેવીની તબિયત ખરાબ થઈ ગઈ અને ટૂંકી માંદગીમાં જ તેમનો જીવ નીકળી ગયો. અચાનક જ આ ઘટના બનતાં સંબંધીઓ આવે એની રાહ જોવા માટે તેમના અંતિમ સંસ્કાર બીજા દિવસે કરવાનું નક્કી થયેલું. જોકે રામદેવીના ગયા પછી એકદમ ગમગીન અને ચૂપ થઈ ગયેલા રામરતન આખો દિવસ પત્નીના પાર્થિવ દેહ પાસે બેસી રહ્યા. રાતે તેમની પણ તબિયત બગડી અને તેમણે પણ ત્યાં જ પ્રાણ ત્યાગી દીધા. રવિવારે પતિ અને પત્ની બન્નેની અંતિમયાત્રા ઘરમાંથી સાથે જ નીકળી અને સાથે પરિવારે તેમના અંતિમ સંસ્કાર કર્યા. રામરતન અને રામદેવીને ત્રણ સંતાનો છે. બન્નેએ થોડા દિવસ પહેલાં જ લગ્નનાં પચાસ વર્ષ પૂરાં થયાં એનો ઉત્સવ મનાવ્યો હતો.