11 May, 2026 02:19 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
લોટસ વૅલી
મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરથી માત્ર ૨૫-૩૦ કિલોમીટરના અંતરે આવેલી ગુલાવત લોટસ વૅલી હાલમાં પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. હાતોદ તાલુકા પાસે આવેલી આ વિશાળ ખીણને એશિયાની સૌથી મોટી લોટસ વૅલી તરીકે ઓળખવામાં આવે છે જ્યાં કિલોમીટરો સુધી પથરાયેલાં ગુલાબી કમળનાં ફૂલો કોઈ પણ પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે એવાં છે.
આ ખીણમાં નદીનાં શાંત પાણી પર હજારોની સંખ્યામાં ખીલેલાં ગુલાબી કમળ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.
ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અહીંનો નઝારો અદ્ભુત હોય છે જેને કારણે પ્રી-વેડિંગ શૂટ અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સમાં આ સ્થળ અત્યંત લોકપ્રિય બન્યું છે.
શહેરના ઘોંઘાટથી દૂર હોવાને કારણે વીક-એન્ડમાં પ્રકૃતિના ખોળે સમય પસાર કરવા માગતા લોકો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ રહ્યો છે.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આ સ્થળને પ્રવાસન નકશા પર વધુ પ્રચલિત કરવા માટે પાયાની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જો તમે પ્રકૃતિના અસલ સૌંદર્યના ચાહક હો તો ઇન્દોર પાસેના આ હિડન જેમની મુલાકાત લેવા જેવી છે.