27 August, 2026 04:19 PM IST | Gorakhpur | Gujarati Mid-day Correspondent
પતિ-પત્નીની લડાઈને કારણે ગોરખપુરમાં બે કલાક વીજળી ગુલ થઈ ગઈ
આપણે ક્યારેય વિચાર્યું નહીં હોય કે ઘરની ૪ દીવાલોમાં થતો પતિ-પત્નીનો ઝઘડો કોઈ શહેરના આખા વિસ્તારને અંધકારમય કરી નાખી શકે છે. મામલો ગોરખપુરના રામજાનકીનગરનો છે. મંગળવારે રાતે ૧૦ વાગ્યે અચાનક જ આ વિસ્તારનું ફીડર ટ્રિપ થઈ ગયું. એને કારણે એ આખા વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો. ધડાધડ વીજળી વિભાગને ફોનકૉલ આવવા લાગ્યા. વીજળી વિભાગે સેન્ટ્રલ લાઇનથી વીજળી પુરવઠો શરૂ કરવાની કોશિશ કરી પણ ફાયદો ન થયો. આખરે તેમણે ક્યાં સમસ્યા છે એ જાણવા આખા વિસ્તારના વીજળીના થાંભલાઓનું પૅટ્રોલિંગ કરવાનું શરૂ કર્યું. ગાડી ફરી રહી હતી ત્યારે પૅટ્રોલિંગ કરી રહેલા એક કર્મચારીને ૧૧,૦૦૦ વૉલ્ટેજ ધરાવતા વીજળીના તાર પર કપડાં લટકતાં જોવા મળ્યાં. કર્મચારીઓએ સીડી મગાવીને કપડાં નીચે ઉતાર્યાં અને પછી નજીકના થાંભલા પાસેથી જ્યાં ફીડર ટ્રિપ થયેલું એને રિપેર કર્યું. આ બધું કરવામાં બે કલાક લાગી ગયા. આ કપડાં કોનાં છે એની તપાસ માટે આસપાસના લોકોને પૂછવામાં આવ્યું તો ખબર પડી કે રાતના ઘરે આવ્યા પછી એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ ગુસ્સામાં ઘરમાં પડેલાં કપડાંનો ઢગલો બારીની બહાર ફેંકી દીધો હતો. આ કપડાં ૧૧,૦૦૦ વૉલ્ટના તાર પર અટકી ગયાં હતાં.