03 June, 2026 02:41 PM IST | Agra | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
તાજ મહેલ (Taj Mahal)ની નજીક આવેલી આગ્રા (Agra)ની અત્યંત પ્રતિષ્ઠિત અને વૈભવી ફાઈવ સ્ટાર હોટેલ `દ ઓબેરોય અમરવિલાસ` (The Oberoi Amarvilas)માં ચાર યુવકોની ચાલાકી જોઈને હોટેલ મેનેજમેન્ટ પણ ચોંકી ગયું છે. આ ચાર મિત્રોએ હોટેલની રેસ્ટોરન્ટમાં બેસીને શાહી અંદાજમાં મોંઘી વાનગીઓની મિજબાની માણી હતી અને ત્યારબાદ રુપિયા ૪૧,૪૭૭નું બિલ ચૂકવ્યા વિના જ ત્યાંથી રફુચક્કર (Agra 5‑Star Hotel Bill Fraud) થઈ ગયા હતા. આ મામલે હોટેલ પ્રશાસનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આગ્રામાં બનેલી આ ઘટના ગત ૭ મેની રાત્રે બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, અસદ ખાન નામના યુવકે ઓનલાઈન માધ્યમથી હોટેલની પ્રખ્યાત રેસ્ટોરન્ટ `બેલેવ્યૂ` (Bellevue)માં ચાર લોકો માટે ટેબલ બુક કરાવ્યું હતું. બુકિંગ કન્ફર્મ થયા બાદ, રાત્રે અંદાજે ૯:૪૫ વાગ્યે ચારેય યુવકો ગ્વાલિયર, મધ્યપ્રદેશ (Gwalior, Madhya Pradesh)ના રજિસ્ટ્રેશન નંબરવાળી એક સ્વિફ્ટ ડિઝાયર કારમાં હોટેલ પહોંચ્યા હતા.
રેસ્ટોરન્ટમાં પહોંચીને ચારેય જણાએ આરામથી બેસીને મોંઘા અને સ્વાદિષ્ટ ભોજનની મિજબાની માણી હતી. તેમનું વર્તન અન્ય સામાન્ય ગ્રાહકો જેવું જ હોવાથી હોટેલ સ્ટાફને તેમના પર સહેજ પણ શંકા ગઈ નહોતી.
યુવકોની યોજના મુજબ, જ્યારે ભોજન પૂરું થયા બાદ બિલ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે ચારમાંથી ત્રણ યુવકો ધીમેથી પોતાની સીટ પરથી ઉભા થઈને રેસ્ટોરન્ટની બહાર નીકળી ગયા હતા. તેઓ પાર્કિંગ એરિયા તરફ ગયા અને ત્યાંથી પગપાળા જ હોટેલ પરિસરની બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન ચોથો યુવક અસદ ખાન ટેબલ પર જ બેસી રહ્યો, જેથી હોટેલના કર્મચારીઓને કોઈ શંકા ન જાય.
થોડીવાર પછી, અસદ ખાન પણ `સિગરેટ પીવા જાઉં છું` તેમ કહીને રેસ્ટોરન્ટની બહાર નીકળ્યો હતો. પરંતુ તે બહાર જવાને બદલે સીધો પાર્કિંગમાં પહોંચ્યો અને ત્યાં પાર્ક કરેલી પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર લઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
ઘણો સમય વીતી ગયા પછી પણ જ્યારે કોઈ ગ્રાહક ટેબલ પર પાછો ન ફર્યો, ત્યારે હોટેલ સ્ટાફ ચોંકી ગયો હતો. ત્યારબાદ હોટેલ મેનેજમેન્ટે સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તપાસ્યા, જેમાં આખી ઘટનાનો ખુલાસો થયો કે ચારેય યુવકો બિલ આપ્યા વગર જ પ્લાનિંગ સાથે ભાગી ગયા છે. હોટેલ વહીવટીતંત્રે બુકિંગ સમયે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ફોન સ્વિચ ઓફ આવતો હતો.
આશ્ચર્યની વાત એ છે કે હોટેલ મેનેજમેન્ટે તરત જ પોલીસ ફરિયાદ ન કરી. તેઓ લગભગ २४ દિવસ સુધી પોતાની રીતે આ યુવકોનો સંપર્ક સાધવાનો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતા રહ્યા. પરંતુ કોઈ સફળતા ન મળતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હોટેલની ફરિયાદના આધારે તાજ સુરક્ષા પોલીસ સ્ટેશને અસદ ખાન અને તેના ત્રણ અજ્ઞાત મિત્રો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જે સ્વિફ્ટ ડિઝાયર કાર લઈને આવ્યા હતા, તે કાર ગ્વાલિયરની રહેવાસી માલતી નામની મહિલાના નામે રજિસ્ટર્ડ છે. પોલીસ હવે કારના રજિસ્ટ્રેશન વિગતો, ઓનલાઈન બુકિંગ ડેટા અને સીસીટીવી ફૂટેજના આધારે ચારેય આરોપીઓની ઓળખ કરવા અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
એક તરફ શહેરની આટલી મોટી ફાઈવ સ્ટાર હોટેલ અને બીજી તરફ ચાર યુવકોની આ પ્રકારની છેતરપિંડીની ઘટના હાલ આખા શહેરમાં ચર્ચાનો વિષય બની છે.