છૂટાછેડા આપ્યા પછી પત્નીને ઘરકામ પેટે ૧.૨૦ કરોડ પતિએ ચૂકવવા પડશે

26 June, 2019 09:33 AM IST  | 

છૂટાછેડા આપ્યા પછી પત્નીને ઘરકામ પેટે ૧.૨૦ કરોડ પતિએ ચૂકવવા પડશે

પ્રતીકાત્મક તસવીર

 આ સમાચાર વાંચીને ભણેલીગણેલી ડિગ્રીધારક પત્નીઓ પતિની ઊંઘ હરામ કરવાનું વિચારી શકે છે. તાજેતરમાં આર્જેન્ટિનામાં એક સ્થાનિક કોર્ટે એક પતિને પોતાની ભણેલીગણેલી ડિગ્રીધારક પત્નીને ઘરકામના બદલામાં ૧.૨૦ કરોડ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. છૂટાછેડાની અરજી દરમ્યાન પત્નીએ રજૂઆત કરી હતી કે આજે પણ પત્ની ઘરનું કામ કરે છે એની કોઈ કિંમત નથી હોતી એટલે અત્યારે હું ભણેલીગણેલી હોવા છતાં મારી પાસે મારી કમાણી નથી. આ યુગલે ૨૮ વર્ષ પહેલાં લગ્ન કર્યાં ત્યારે જ નક્કી કરેલું કે એક વ્ય‌ક્તિ નોકરી કરશે અને બીજું ઘર સંભાળશે. એને કારણે પત્નીના ભાગે ઘરકામ આવ્યું હતું. પત્નીનું કહેવું હતું કે લગ્ન વખતે કરેલી પસંદગીને કારણે તેની પાસે આર્થિક સપોર્ટ નથી.

આ પણ વાંચો: દીકરાને અજુગતું ન લાગે એ માટે હાર્ટ-સર્જરી પછી પિતાએ પણ ટૅટૂ દોરાવ્યુ

આ યુગલે લગ્નનાં ૨૮ વર્ષ બાદ ૨૦૦૯માં છૂટાં થવાનું નક્કી કરેલું. તેમના ડિવૉર્સ ૨૦૧૧માં થઈ ગયા હતા. આ દરમ્યાન મહિલા ૬૦ વર્ષની થઈ ચૂકી હતી. એ પછી તેની પાસે કમાણી કરવાનું કોઈ સાધન ન રહ્યું. ૬૦ વર્ષે તેને કોઈ નોકરી આપવા તૈયાર નહોતું એટલે મહિલા ફરીથી કોર્ટમાં પહોંચી અને તેણે પતિના ઘરમાં કરેલા કામની કિંમત કેમ ન થાય એ મુદ્દો ઉઠાવ્યો હતો. જજે પણ ફેંસલો આપતાં કહ્યું હતું કે ‘ગૃહિણીના કામનો કોઈ પગાર નથી હોતો. આ મહિલા અર્થશાસ્ત્રી હતી એટલે જો તેણે નોકરી કરી હોત તો કેટલું કમાઈ હોત એના આધારે પતિએ તેને ઘરકામના પૈસા હવે ચૂકવવા પડશે.’કોર્ટે પતિને ૧.૨૦ કરોડ રૂપિયા પત્નીને ચૂકવવાનું ફરમાન કર્યું હતું.

hatke news offbeat news gujarati mid-day