22 September, 2026 02:00 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
જયબીર સિંહ ગુરુદત્ત
અમદાવાદ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતા ૮ વર્ષના જયબીર સિંહ ગુરુદત્તે માત્ર ૧ મિનિટમાં ૧૫૬ પ્લૅન્ક જૅક્સ કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. પ્લૅન્ક જૅક્સ એટલે એવી કસરત જેમાં પંજાથી કોણી સુધીના હાથ અને પગના આંગળાં જ જમીન પર ટેકવેલા હોય, બાકીનું શરીર જમીનથી ઊંચકાયેલું હોય. આ પ્લૅન્ક અવસ્થામાં પણ જૅક્સ એટલે કે સ્મૉલ જમ્પ પણ કરવાના હોય છે. પ્લૅન્ક પોઝિશનમાં શરીરને બૅલૅન્સ કરીને ૧૫૬ જૅક્સ લગાવવાની જયબીરની આ સિદ્ધિ વર્લ્ડ રેકૉર્ડ્સ ઇન્ડિયા દ્વારા માન્ય થઈ છે. હર્ષમિત સિંહ અને ખુશ્બૂ કૌરનો દીકરો જયબીર માત્ર ૭ વર્ષનો હતો ત્યારથી તેણે ફિઝિકલ ફિટનેસની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તે કોચ અમનદીપ સિંહ ગોત્રા પાસેથી રોજ બે કલાક તાલીમ લેતો હતો. એમાં સ્ટ્રેન્ગ્થ, સ્ટેમિના, માર્શલ આર્ટ્સ અને ફિટનેસની કપરી ટ્રેઇનિંગ લેતો હતો.