24 July, 2025 02:36 PM IST | Jhansi | Gujarati Mid-day Correspondent
ઝાંસીમાં ચાર ગ્રૅજ્યુએટ છોકરીઓએ કર્યાં શિવલિંગ સાથે લગ્ન
ઉત્તર પ્રદેશના ઝાંસીના મૌરાનીપુર વિસ્તારમાં ચાર ગ્રૅજ્યુએટ છોકરીઓ રેખા, વરદાની, કલ્યાણી અને આરતીએ શિવલિંગ સાથે લગ્ન કર્યાં છે. લગ્ન કરનારી છોકરીઓએ પરંપરાગત પોશાક પહેર્યો હતો અને દુલ્હનની જેમ તૈયાર થઈ હતી. શિવલિંગને પણ વરરાજાની જેમ પાઘડી પહેરાવવામાં આવી હતી. મૌરાનીપુરના કુંજ બિહારી પૅલેસમાં બ્રહ્માકુમારી આશ્રમ દ્વારા આયોજિત આ સમારોહમાં ચારેય છોકરીઓએ શિવલિંગને વરરાજા માનીને વૈદિક રીતે માળા પહેરાવી હતી અને આજીવન બ્રહ્મચર્ય પાળવાનું અને સેવાનું વચન આપ્યું હતું. લગ્ન-સમારોહમાં નંદી પણ હાજર હતા. આ લગ્ન ભક્તિ, બલિદાન અને આધ્યાત્મિક સમર્પણનું ઉદાહરણ બની ગયાં છે. આ અનોખી ઘટનાની ચર્ચા બધે થઈ રહી છે.
આ સમારોહના વાઇરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે એક પછી એક છોકરીઓ ભગવાન શિવના શિવલિંગને માળા પહેરાવી રહી છે. બદલામાં તેમને પણ માળા પહેરાવવામાં આવી રહી છે. આ પછી છોકરીઓ શિવલિંગને ભેટી રહી છે.
બ્રહ્માકુમારી આશ્રમના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ લગ્ન સાંસારિક બંધનોથી ઉપર ઊઠીને આત્માની શુદ્ધતા અને ભગવાન સાથે એકતા તરફનું પ્રથમ પગલું છે.