વૃક્ષો બચાવવા માટે ૩૪ વર્ષનાં આ બહેને કર્યાં વૃક્ષ સાથે લગ્ન

16 September, 2019 09:49 AM IST  | 

વૃક્ષો બચાવવા માટે ૩૪ વર્ષનાં આ બહેને કર્યાં વૃક્ષ સાથે લગ્ન

‌આપણે ત્યાં જેમ આરે કૉલોનીના જંગલને બચાવવા માટે ચળવળ ચાલી રહી છે એવું જ કંઈક હાલમાં ઇંગ્લૅન્ડમાં થઈ રહ્યું છે. લિથરલૅન્ડ ટાઉન પાસેના રિમરોઝ વૅલી પાર્કમાં વૃક્ષોને મરતાં અને કપાતાં બચાવવા માટે એક બહેને એની સાથે લગ્ન કરી લીધાં છે.

કૅટ કનિન્ઘમ નામની સોશ્યલ વર્કરે શનિવારે પર્યાવરણ સંરક્ષણ બાબતે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી આવું કર્યું છે. આ લગ્નનો સમારોહ તેના પપ્પાએ જ આયોજિત કર્યો હતો. નવાઈની વાત એ છે કે એમાં તેનો બૉયફ્રેન્ડ અને તેનાં સંતાનો પણ હાજર રહ્યાં હતાં. વાત એમ છે કે લિવરપુલ પોર્ટ પરનો ટ્રાફિક ઘટાડવા માટે સ્થાનિક સરકાર આ વૅલીમાંથી બાયપાસ બનાવવા માગે છે અને એ માટે અહીંનાં સેંકડો વૃક્ષોની બલિ ચડી જાય એમ છે. કૅટે એલ્ડર પ્રજાતિના એક વૃક્ષ સાથે લગ્ન કર્યાં હતાં અને પોતાના નામની પાછળ અટક પણ લગાવી હતી. તેણે હવે પોતાનું નામ કૅટ રોઝ એલ્ડર કરી લીધું છે. 

તેનાં અનોખાં લગ્નમાં તેનો પરિવાર અને મિત્રો બધા જ હાજર રહ્યા હતા. આ વિસ્તારનાં વૃક્ષોને બાયપાસ રોડના પ્રોજેક્ટ દરમ્યાન કાપી નખાય એવી સંભાવના વધુ હોવાથી તેણે લોકજાગૃતિ માટેનું અભિયાન શરૂ કર્યું છે. તેના આવા ગતકડાને કારણે સોશ્યલ મીડિયા પર પણ તેને સારોએવો રિસ્પૉન્સ મળી રહ્યો છે. કૅટનું કહેવું છે કે ‘મારી માનું મોત અસ્થમાથી થયું હતું અને મને પણ ફેફસાંની બીમારી છે. આ વિસ્તારમાં ઑલરેડી પ્રદૂષણ ઘણું વધારે છે ત્યારે આ વૃક્ષોને વાઢીને સડક બનાવવાનું વધુ પ્રદૂષણકારી હશે.’

hatke news offbeat news gujarati mid-day