ફૂડલવર્સને Zomatoએ આપ્યો ઝટકોઃ હવેથી દરેક ફૂડ ઓર્ડર પર વધારાનો ચાર્જ આપવો પડશે, આ સેવા પણ કરી બંધ

22 April, 2024 04:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Zomato Platform Fee: ઝોમેટોએ તેની પ્લેટફોર્મ ફીમાં ૨૫ ટકાનો વધારો કરીને તેના ગ્રાહકોને ચોંકાવી દીધા છે, જ્યારે બીજી તરફ કંપનીનો શેર સોમવારે 5% વધ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાના શોખીનો માટે ખરાબ સમાચાર છે અને તે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો (Zomato) સાથે જોડાયેલ છે. હવે તમારે Zomato પર દરેક ફૂડ ઓર્ડર પર પાંચ રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ (Zomato Platform Fee) ચૂકવવો પડશે. કંપનીએ ત્રિમાસિક પરિણામોની જાહેરાત પહેલા, Zomatoએ તેના વપરાશકર્તાઓને આ મોટો આંચકો આપ્યો છે. કંપનીએ તેની પ્લેટફોર્મ ફીમાં અચાનક વધારો કર્યો છે.

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ તેની પ્લેટફોર્મ ફી ૨૫ ટકા વધારીને પાંચ રૂપિયા પ્રતિ ઓર્ડર કરી છે. પ્લેટફોર્મ ફી એક ફ્લેટ ફી છે જે ફૂડ ડિલિવરી કંપનીઓ તમામ ઓર્ડર પર સંબંધિત ગ્રાહકોને વસૂલે છે. એટલે કે ઝોમેટોના આ નિર્ણય બાદ હવે કંપની પાસેથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થઈ જશે અને તમારે દરેક ઓર્ડર પર પાંચ રૂપિયા વધારાના ખર્ચવા પડશે.

અહેવાલો અનુસાર, Zomatoએ ગયા વર્ષે ઓગસ્ટ ૨૦૨૩માં બે રૂપિયાની પ્લેટફોર્મ ફી રજૂ કરી હતી અને બાદમાં તેના માર્જિનમાં સુધારો કરવા અને વધુ નફો મેળવવા માટે આ ફી ૨ રૂપિયાથી વધારીને ૩ રૂપિયા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪ની શરૂઆત પહેલા એટલે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રેકોર્ડ ઓનલાઈન ફૂડ ડિલિવરી ઓર્ડર દ્વારા પ્રોત્સાહિત, ઝોમેટોએ જાન્યુઆરીમાં મુખ્ય બજારોમાં તેની ફરજિયાત પ્લેટફોર્મ ફી રૂ. 3 પ્રતિ ઓર્ડરથી વધારીને રૂ 4 કરી હતી અને હવે વધુ એક ઓર્ડર દીઠ રૂ. 5 કરી છે.

પ્લેટફોર્મ ચાર્જમાં આ ૨૫ ટકાનો વધારો Zomato દ્વારા માર્ચ ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાતના એક અઠવાડિયા પહેલા કરવામાં આવ્યો છે. ગ્રાહકો પર બોજ વધારવાના નિર્ણયની સાથે, કંપનીએ તેની ઇન્ટર-સિટી ફૂડ ડિલિવરી સેવા ઇન્ટરસિટી લિજેન્ડ્સ (Zomato Intercity Legends) પણ સ્થગિત કરી દીધી છે. જો કે, Zomatoની એપ પર એક સંદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે `કૃપા કરીને ટ્યુન રહો કારણ કે અમે ટૂંક સમયમાં તમારી સેવામાં પાછા આવીશું.`

તમને જણાવી દઈએ કે, Zomato દ્વારા વસૂલવામાં આવતી પ્લેટફોર્મ ફી ડિલિવરી ચાર્જ ઉપરાંત છે. જો કે, Zomato ગોલ્ડ સભ્યોએ ડિલિવરી ચાર્જ ચૂકવવો પડતો નથી. પરંતુ તેઓએ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. નોંધનીય છે કે Zomatoનું પોતાનું ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ બ્લિન્કઇટ (Blinkit) પણ દરેક ઓર્ડર પર હેન્ડલિંગ ચાર્જ તરીકે ઓછામાં ઓછા બે રૂપિયા વસૂલે છે.

નોંધનીય છે કે, ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી માર્કેટમાં Zomato એક મોટી ખેલાડી છે અને કંપનીના આંકડા આનું ઉત્તમ ઉદાહરણ છે. ઝોમેટો વાર્ષિક આશરે ૮૫ થી ૯૦ કરોડ ઓર્ડર પૂરા કરે છે. Zomatoએ ડિસેમ્બર ક્વાર્ટરમાં એડજસ્ટેડ રેવન્યુમાં વાર્ષિક ધોરણે ૩૦ ટકા વૃદ્ધિ નોંધાવી છે. આ સાથે તમને જણાવી દઈએ કે, ઝોમેટોના શેરમાં અત્યારે તેજીનો ટ્રેન્ડ ચાલુ છે. આજે એટલે કે સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ કંપનીના શેરમાં લગભગ પાંચ ટકાનો ઉછાળો આવ્યો અને તે ૧૯૭.૭૦ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. કંપનીનું માર્કેટ કેપ ૧.૬૬ લાખ કરોડ રૂપિયા છે.

zomato india delhi news bengaluru national news