23 June, 2025 06:55 AM IST | Amaravati | Gujarati Mid-day Correspondent
વિશાખાપટનમમાં જ ૨૨,૧૨૨ આદિવાસી સ્ટુડન્ટ્સે ૧૦૮ મિનિટમાં એકસાથે ૧૦૮ સૂર્યનમસ્કાર કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ સરજ્યો, વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ૨૧૨૧ લોકોએ ભુજંગાસન કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો
યોગાંધ્ર સુપરહિટ
બે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ અને ૨૧ વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સનું સર્જન
૨૧ જૂને યોગ દિવસની ઉજવણી થાય એ પહેલાં એક મહિનાથી એટલે કે ૨૧ મેથી આંધ્ર પ્રદેશ રાજ્ય યોગમય થઈ જાય એ પહેલને યોગાંધ્ર ૨૦૨૫ મિશન નામ આપવામાં આવ્યું હતું. એનો હેતુ હતો રાજ્યના લોકોના રોજબરોજના જીવનમાં યોગને હિસ્સો બનાવવાનો. આ આખો મહિનો આંધ્ર પ્રદેશના લોકોએ ઑનલાઇન અને ઑફલાઇન બન્ને રીતે યોગપ્રશિક્ષણ લીધું હતું.
ગઈ કાલના અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં એક નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ નોંધાયો હતો. આ રેકૉર્ડ એક જ જગ્યાએ યોગના સેશન માટે સૌથી વધુ લોકો ભેગા થયા એ માટેનો હતો. વિશાખાપટનમમાં ગઈ કાલે યોગ દિવસની ઇવેન્ટમાં ૩.૦૩ લાખ લોકો જોડાયા હતા. આ ઇવેન્ટમાં કેટલાક સિનિયર સિટિઝનો તો મધરાત પછી બે વાગ્યાથી આવી ગયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈ કાલે વિશાખાપટનમમાં જ યોગ દિવસ ઊજવ્યો હતો.
આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં એક જગ્યાએ સૌથી વધુ ૩.૦૩+ લાખ લોકોએ યોગ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો
શુક્રવારે વિશાખાપટનમમાં જ યોગને લગતો હજી એક ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ નોંધાયો હતો. ૨૨,૧૨૨ આદિવાસી સ્ટુડન્ટ્સે સૌથી મોટા સિન્ક્રોનાઇઝ્ડ સૂર્યનમસ્કાર કરીને આ વિક્રમ નોંધાવ્યો હતો. આ ઇવેન્ટમાં તેમણે એકસાથે ૧૦૮ મિનિટમાં ૧૦૮ સૂર્યનમસ્કાર કર્યા હતા.
આંધ્ર પ્રદેશમાં પાંચ લાખ લોકોને એક જ સ્થળે એકઠા કરીને યોગ કરવાનું લક્ષ્ય હતું, પરંતુ ૩.૦૩ લાખ યોગપ્રેમીઓ જ એકઠા થઈ શક્યા હતા.
યોગ દિવસે યોગ પર્ફોર્મ કરવા માટે રાજ્યભરમાં સરકારે રજિસ્ટ્રેશન-સિસ્ટમ ગોઠવી હતી જેમાં ૨.૪૫ કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પણ એમાંથી ૧.૮ કરોડ લોકોને ત્રણ દિવસની અંદર યોગ ઍક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવા બદલ સર્ટિફિકેટ આપવામાં આવશે.
આંધ્ર પ્રદેશના ૨૬ જિલ્લાઓમાં કુલ ૧૦૧ ટૂરિસ્ટ પૉઇન્ટ્સ પર ૨૬ થીમ-બેઝ્ડ યોગ-સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડનગરમાં ભુજંગાસનનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બન્યો
શર્મિષ્ઠા તળાવ ખાતે ૨૧૨૧ યોગસાધકોએ એકસાથે કોબ્રા પોઝ કરીને વિક્રમ સરજ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન અને ઐતિહાસિક નગરી વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ગઈ કાલે ૨૧૨૧ યોગસાધકોએ એકસાથે ભુજંગાસન કરીને નવો કીર્તિમાન પ્રસ્થાપિત કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.
વડનગરના શર્મિષ્ઠા તળાવના પરિસરમાં થયેલા યોગ કાર્યક્રમની ડ્રોન તસવીર.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ભુજંગાસનના રેકૉર્ડ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના પ્રતિનિધિએ ભૂપેન્દ્ર પટેલને સર્ટિફિકેટ આપ્યું ત્યારે ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી રેકૉર્ડને વધાવી લીધો હતો.