06 February, 2026 10:46 AM IST | Mumbai | Rajendra B Aklekar
પ્લૅટફૉર્મ પાસેની અને પાટા પાસેની ફેન્સિંગને ઇન્ડસ્ટ્રિયલ ગ્રીસ લગાવતા વેસ્ટર્ન રેલવેના કર્મચારીઓ.
વેસ્ટર્ન રેલવેએ ટ્રેસપાસિંગ એટલે કે પાટા ઓળંગવાના બનાવોને રોકવા અને અકસ્માતનો દર ઘટાડવા માટે ટ્રૅકની બાજુની ફેન્સ પર ઇન્ડસ્ટ્રિયલ ગ્રીસ લગાવવાનું શરૂ કર્યું છે. ચર્ચગેટ-વિરાર વચ્ચેના ૬૦ કિલોમીટરના રૂટ પર તમામ ૨૯ સ્ટેશનો પર આ કામ હાથ ધરવામાં આવ્યું છે.
ખાસ કરીને પીક અવર્સ દરમ્યાન ટ્રૅક-ક્રૉસિંગના બનાવો વધુ બને છે. ગ્રીસ-કોટિંગને લીધે ફેન્સ પર ચડવાનું અથવા એને પકડવાનું મુશ્કેલ બનશે એમ વેસ્ટર્ન રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું. રેલવે-અધિકારીઓએ આપેલી માહિતી મુજબ ગ્રીસ ઝડપથી સુકાતું નથી અને ગ્રીસ ફરીથી નિયમિત લગાવવામાં આવશે જેથી એ અસરકારક રહે.
આ અગાઉ ૨૦૨૩માં સેન્ટ્રલ રેલવેએ આ અખતરો અજમાવ્યો હતો. પ્લૅટફૉર્મના છેડા પર ગ્રીસ લગાવ્યું હતું અને ચડવું-ઊતરવું મુશ્કેલ બનાવવા માટે પ્લૅટફૉર્મના છેડે બનાવાયેલા ઢાળ કાપી નાખ્યા હતા જેથી મુસાફરોએ ફુટ ઓવર બ્રિજ અને સબવેનો ઉપયોગ જ કરવો પડે. આ પગલાને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.