10 August, 2026 12:14 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મેટા (Meta) ની માલિકી ધરાવતા મેસેજિંગ પ્લેટફોર્મ `વૉટ્સએપ` (WhatsApp) ની સેવાઓ સોમવાર, ૧૦ ઓગસ્ટે વિશ્વભરમાં ખોરવાઈ ગઈ હતી, જેના કારણે અનેક દેશોમાં યુઝર્સને મલ્ટીમીડિયા કન્ટેન્ટ મોકલવામાં ભારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગના યુઝર્સ માટે સામાન્ય ટેક્સ્ટ મેસેજ ચાલુ રહ્યા હતા, પરંતુ ફોટો, વિડીયો, ઓડિયો ક્લિપ, સ્ટીકરો અને જીઆઈએફ (GIF) મોકલવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અથવા તો ભારે વિલંબ થઈ રહ્યો હતો. આ ટેકનિકલ ખામીના કારણે વિશ્વભરમાં યુઝર્સની ફરિયાદોનો પૂરો આવ્યો હતો, જે દર્શાવે છે કે આ કોઈ સ્થાનિક નેટવર્ક પ્રોબ્લેમ નહીં પરંતુ ગ્લોબલ સર્વરની (WhatsApp Global Outage) સમસ્યા હતી.
સોશિયલ મીડિયા (Social Media) પર નોંધાયેલી ફરિયાદો મુજબ, આ ગ્લોબલ આઉટેજમાં એક ચોક્કસ ટેકનિકલ પેટર્ન જોવા મળી હતી. યુઝર્સે જણાવ્યું કે સામાન્ય ટેક્સ્ટ મેસેજ કોઈપણ મોટી અડચણ વગર મોકલી શકાતા હતા, પરંતુ મલ્ટીમીડિયા ફાઈલો અપલોડિંગ તબક્કે જ અટકી જતી હતી. સ્ક્રીન પર સતત લોડિંગ ઇન્ડિકેટર દેખાતું હતું અથવા યુઝર્સને ફરીથી પ્રયાસ (retry) કરવા માટેના નોટિફિકેશન મળતા હતા.
આ સમસ્યા વ્યક્તિગત ચેટ્સ અને ગ્રુપ ચેટ્સ બંનેને અસર કરી રહી હતી. ફોટો અને વિડીયો ઉપરાંત ડિજિટલ સ્ટીકરો અને એનિમેટેડ GIF પણ સેન્ડ થઈ શકતા નહોતા. મોટી મીડિયા ફાઇલો મોકલવાનો પ્રયાસ કરતા યુઝર્સને કાં તો સંપૂર્ણ અપલોડ નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો અથવા અતિશય ધીમી પ્રોસેસિંગનો સામનો કરવો પડ્યો હતો, જેના પરથી યુઝર્સ એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે આ આઉટેજ ખાસ કરીને વૉટ્સએપના મીડિયા હેન્ડલિંગ સર્વર્સને અસર કરી રહ્યું છે.
આઉટેજ-ટ્રેકિંગ વેબસાઇટ `ડાઉનડિટેક્ટર` (Downdetector) ના આંકડા અનુસાર, સોમવારે સવારથી જ યુઝર્સની ફરિયાદોમાં મોટો ઉછાળો આવ્યો હતો. પ્રાપ્ત અહેવાલોના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે અસરગ્રસ્ત યુઝર્સમાંથી ૪૧ ટકા લોકોએ મેસેજિંગ સેવાઓમાં, ૪૦ ટકા લોકોએ મુખ્ય મોબાઈલ એપ્લિકેશનમાં અને ૧૩ ટકા લોકોએ નોટિફિકેશન કામ ન કરવા અંગેની ફરિયાદો નોંધાવી હતી. ડાઉનડિટેક્ટરના લોગ્સ વધુમાં દર્શાવે છે કે સોમવારના આ મોટા આઉટેજ પહેલા રવિવારે પણ સમયાંતરે આવી સેવાઓ ખોરવાઈ ગઈ હતી.
આ સમસ્યા કોઈ એક દેશ પૂરતી સીમિત ન હતી. ભારત, યુનાઇટેડ કિંગડમ (UK), ફ્રાન્સ, બ્રાઝિલ, કેનેડા, મેક્સિકો, સ્પેન અને કોલંબિયાના યુઝર્સ તરફથી વ્યાપક ફરિયાદો આવી હતી. આટલા બધા દેશોમાં એકસાથે પડેલી અસર સૂચવે છે કે મુખ્ય કારણ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હતું, નહીં કે કોઈ પ્રાદેશિક ઇન્ટરનેટ સેવા પ્રદાતા (ISP) ની ખામી. જોકે, અસરગ્રસ્ત યુઝર્સની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી.
સમસ્યાના ઉકેલ માટે ઘણા યુઝર્સે પોતાના સ્તરે પ્રયાસો કર્યા હતા. યુઝર્સે સ્માર્ટફોન રિબૂટ કર્યા, વાઇ-ફાઇ અને મોબાઈલ ડેટા નેટવર્ક બદલી જોયા તેમજ વૉટ્સએપ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરીને ફરીથી ઇન્સ્ટોલ પણ કરી જોઈ. પરંતુ આ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, જે સાબિત કરે છે કે આ સમસ્યા યુઝર્સના હેન્ડસેટ કે નેટવર્ક સેટિંગ્સ સાથે જોડાયેલી નહોતી.
અહેવાલ લખાયો ત્યાં સુધી વૉટ્સએપ અથવા તેની પેરેન્ટ કંપની `મેટા` (Meta) દ્વારા આ ટેકનિકલ ખામીના કારણ અથવા સેવાઓ ક્યારે પૂર્ણપણે પુનઃસ્થાપિત થશે તે અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નહોતું. ટેકનિકલ ટીમો આ સ્થિતિ પર નજર રાખી રહી છે ત્યારે યુઝર્સ હજુ પણ મીડિયા ફાઇલો શેર કરવામાં વિલંબનો સામનો કરી રહ્યા છે.