દીદીએ નંદીગ્રામ મતક્ષેત્ર પસંદ કરીને મોટી ભૂલ કરી: વડા પ્રધાન

04 April, 2021 12:16 PM IST  |  Sonarpur | Gujarati Mid-day Correspondent

મમતાને ઉદ્દેશીને કહ્યું, ‘જો ખેલાડી વારંવાર અમ્પાયરનો વાંક કાઢે તો સમજો તેનો ખેલ ખતમ’

હુગલીમાં આયોજિત રૅલીમાં વડા પ્રધાન મોદી (તસવીર: પી.ટી.આઇ.)

પશ્ચિમ બંગાળના સાઉથ ૨૪ પરગણા જિલ્લાના સોનારપુરમાં વિધાનસભાની ચૂંટણીની પ્રચારસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘મમતાદીદીએ નંદીગ્રામની બેઠક પસંદ કરીને મોટી ભૂલ કરી છે અને એ બેઠક પરથી તેઓ હારી જશે તો તૃણમૂલ કૉન્ગ્રેસ માટે પક્ષ તરીકે ટકી રહેવું મુશ્કેલ બનશે. કેટલાક લોકોએ દીદીને અન્ય બેઠકની ઉમેદવારી સોંપવાનું નક્કી કર્યું હતું, પરંતુ કેટલાક લોકોએ એ નિર્ણય ભૂલભરેલો ગણાવ્યો હતો. કેટલાક સહયોગીઓએ કહ્યું કે તેઓ બન્ને બેઠકો હારી જશે તો તૃણમૂલ કૉન્ગ્રેસ માટે પક્ષ તરીકે ટકી રહેવું મુશ્કેલ બનશે.’

વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘હવે તૃણમૂલ કૉન્ગ્રેસ કહે છે કે તેઓ વારાણસીથી લોકસભાની ચૂંટણી લડશે. તેનો અર્થ એવો છે કે દીદીએ બંગાળમાં હાર કબૂલી છે, તેથી તેઓ બંગાળની બહારનાં સ્થાન શોધી રહ્યાં છે. દીદીને હવે ‘છપ્પા વોટ’ એટલે કે ખોટા મત મળવાની શક્યતા ન જણાતી હોવાથી તેઓ ચૂંટણી પંચનો વાંક કાઢે છે અને સલામતી દળો સામે શંકાપૂર્વક પ્રશ્નો કરે છે. ૧૦ વર્ષ પહેલાં સલામતી દળો અને ચૂંટણીપંચ માટે ભરપૂર શ્રદ્ધા વ્યક્ત કરનારાં મમતાદીદી આજે એ બન્ને તંત્રોની બદનક્ષી કરી રહ્યાં છે. દાયકા સુધી બંગાળમાં સત્તા પર રહેવામાં મદદરૂપ રહ્યાં ત્યારે એ બન્ને તંત્રો અને ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન્સ (ઇવીએમ) સારાં હતાં અને હવે ખરાબ લાગી રહ્યાં છે. જો કોઈ ખેલાડી વારંવાર અમ્પાયરનો વાંક કાઢે તો સમજી જવું એનો ખેલ ખતમ.’

national news west bengal narendra modi mamata banerjee