પશ્ચિમ બંગાળના પરિણામ પહેલાં મમતા બૅનરજીને ઝટકો

03 May, 2026 08:05 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકાર અને PSU કર્મચારીઓ જ રહેશે મતગણતરીના નિરીક્ષકો અને સહાયકો, ચૂંટણીપંચના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળમાં આવતી કાલે થનારી મતગણતરી માટે માત્ર કેન્દ્ર સરકારના અને જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU)ના કર્મચારીઓને ગણતરી-નિરીક્ષકો અને સહાયકો તરીકે નિયુક્ત કરવાના ભારતના ચૂંટણીપંચના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ઇનકાર કર્યો હતો જેનાથી તૃણમૂલ કૉન્ગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો.

જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જૉયમાલ્યા બાગચીની ખાસ બે જજોની બેન્ચે અવલોકન કર્યું હતું કે ચૂંટણીપંચને પોતાના અધિકારીઓ પસંદ કરવાનો અધિકાર છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિમણૂક કરતો પરિપત્ર એ આધાર પર રદ કરી શકાતો નથી. આ બધા કર્મચારીઓ ચૂંટણીપંચના નિયંત્રણ હેઠળ છે એથી તેઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે કે રાજ્ય સરકારના કર્મચારીઓ છે એનાથી કોઈ ફરક પડતો નથી એમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું. ચૂંટણીપંચના વકીલના નિવેદનને રેકૉર્ડ કરવા સિવાય કોઈ વધુ નિર્દેશની જરૂર નથી કે પરિપત્ર લાગુ કરવામાં આવશે.
તૃણમૂલ કૉન્ગ્રેસે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ કેન્દ્રના શાસક પક્ષ દ્વારા પ્રભાવિત થઈ શકે છે. 

પ‌શ્ચિમ બંગાળમાં રી-પોલિંગમાં ૮૬.૯૦ ટકા મતદાન

BJP અને TMCના કાર્યકરો વચ્ચે આ વખતે પણ થઈ હાથાપાઈ

પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણાના ડાયમન્ડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમ વિધાનસભાની બેઠકનાં ૧૫ મતદાન-કેન્દ્રોમાં ગઈ કાલે ફરીથી મતદાન થયું હતું. સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલું વોટિંગ સાંજે ૬ વાગ્યા સુધી ચાલ્યું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં મગરાહાટ પશ્ચિમનાં બૂથો પર ૮૬.૧૧ ટકા અને ડાયમન્ડ હાર્બરનાં બૂથો પર ૮૭.૯૦ ટકા વોટિંગ થયું હતું. ટૂંકમાં, આ કેન્દ્રો પર સરેરાશ ૮૬.૯૦ ટકા મતદાન નોંધાયું હતું. BJPએ આ મતદાન-કેન્દ્રો પર EVMમાં છેડછાડ થઈ હોવાનો આરોપ મૂક્યો હોવાથી ફરીથી  મતદાન કરવામાં આવ્યું હતું. સાઉથ ૨૪ પરગણામાં TMC અને BJPના કાર્યકર્તાઓ વચ્ચે હાથાપાઈ થઈ હતી. એ વખતે સુરક્ષાદળોએ બન્ને પક્ષોને દૂર કરવા બળ વાપરવું પડ્યું હતું. એને કારણે તોફાનીઓને હાથ, પગ અને માથામાં ઈજા થઈ હતી. BJPના સમર્થકોએ ફરિયાદ કરી હતી કે TMCના કાર્યકરો ધાકધમકી આપી રહ્યા છે, જ્યારે TMCએ ફરિયાદ કરી હતી કે મગરાહાટના બૂથ પર સુરક્ષાદળોએ તોડફોડ કરીને કાર્યકર્તાઓને ધમકાવ્યા હતા. 

national news india west bengal mamata banerjee supreme court trinamool congress election commission of india bhartiya janta party bjp bharatiya janata party