17 જૂને આખા ભારતના ડૉક્ટરો હડતાળ પર, માત્ર ઈમર્જન્સી સુવિધા જ ચાલુ

15 June, 2019 07:34 AM IST  |  નવી દિલ્હી

17 જૂને આખા ભારતના ડૉક્ટરો હડતાળ પર, માત્ર ઈમર્જન્સી સુવિધા જ ચાલુ

સમગ્ર દેશમાં ડૉક્ટરો હડતાળ પર ઊતર્યા: બંગાળમાં 150 ડૉક્ટરોએ રાજીનામાં આપ્યાં

પશ્ચિમ બંગાળથી શરૂ થયેલી જુનિયર ડૉકટરોની હડતાળનો રેલો હવે મહારાષ્ટ્ર, દિલ્હી અને હૈદરાબાદ જેવાં રાજ્યોમાં પણ પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળના ડૉકટરોની હડતાળના સમર્થનમાં એઇમ્સે અખિલ ભારતીય વિરોધ દિવસની જાહેરાત કરી છે. દિલ્હી મેડિકલ અસોસિએશન સિવાય પટણા અને રાયપુર એઇમ્સના ડૉકટરો પણ હડતાળનું સમર્થન કરી રહ્યા છે. અત્યાર સુધી દાર્જિલિંગમાં ૨૭, ઉત્તર ૨૪ પરગણામાં ૧૮ અને દાઇજી કૉલેજમાં ૧૦૦થી વધારે ડૉક્ટરોએ રાજીનામાં આપ્યાં છે. તો કોલકાતામાં ૮૦થી વધારે ડૉક્ટરોએ રાજીનામાંની ધમકી આપી છે.

ડૉકટરોએ સવારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરી દીધી હતી જેને લીધે દૂરથી આવેલા દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડૉક્ટરોની હડતાળના કારણે પશ્ચિમ બંગાળમાં અનેક સરકારી હૉસ્પિટલો અને મેડિકલ કૉલેજોની હૉસ્પિટલોમાં ત્રીજા દિવસે પણ તાત્કાલિક સારવાર, ઓપીડી સેવાઓ, પેથોલૉજિકલ એકમો બંધ રહ્યા હતા. સાથે જ ખાનગી હૉસ્પિટલોએ પણ તેમના સમર્થનમાં તબીબી સેવાઓ બંધ રાખી હતી. ડૉક્ટરો કોલકાતામાં એનઆરએસ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં એક દર્દીના મૃત્યુ પછી ભીડ દ્વારા પોતાના સાથી કર્મચારીઓ પર કરવામાં આવેલા હુમલાને ધ્યાનમાં રાખીને પ્રદર્શન કરી રહ્યા છે.

બંગાળ સહિત દિલ્હી, મુંબઇ અને હૈદરાબાદ જેવાં રાજ્યોના ડૉક્ટરો હડતાળ પર ઊતરી ગયા છે. દિલ્હી મેડિકલ અસોસિએશન(ડીએમએ)ના અધ્યક્ષ ડૉ. ગિરિશ ત્યાગીએ જણાવ્યું હતું કે, માત્ર ઇમર્જન્સી સેવાઓ જ ચાલુ રહેશે. રાજ્યમાં ૧૮ હજારથી વધુ ડૉકટરો ડીએમએથી જોડાયેલા છે. ડૉકટરો વિરુદ્ધ થઈ રહેલી હિંસામાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી માટે એક કાયદાની જરૂર છે, જેમાં ડૉકટરો પર થતી હિંસા માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવે.

ઈન્ડિયન મેડિકલ અસોસિએશને શુક્રવારે જાહેરાત કરી કે ૧૭ જૂનના રોજ આખા દેશના ડૉક્ટરો હડતાળ પર ઊતરી જશે. એ સાથે કહેવામાં આવ્યું કે માત્ર ઈમર્જન્સી સેવાઓ જ ચાલુ રહેશે. ઈન્ડિયન મેડિકલ અસોસિએશને એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, હૉસ્પિટલોમાં ડૉક્ટરોની સુરક્ષા ઈચ્છીએ છીએ. કોલકતામાં મેડિકલના વિદ્યાર્થીઓ ખૂબ ડરેલા છે.

બંગાળને ગુજરાત નહીં બનવા દઉં, અહીં બંગાળી બોલવું જરૂરીઃ મમતા બૅનરજી

ડૉકટરોની હડતાળથી ઘેરાયેલા પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બૅનરજીએ આજે વિપક્ષી દળો પર આકરા પ્રહાર કરવા માટે બાંગ્લા કાર્ડનું પત્તુ ફેંક્યું હતું. બહારના લોકોને બહાને બીજેપી પર નિશાન તાક્યું હતું. તેમ જ જણાવ્યું હતું કે જો તમારે બંગાળમાં રહેવું છે તો તમારે બાંગ્લા ભાષા બોલવી પડશે. તેમણે જણાવ્યું કે હું આવા ગુનેગારોને બરદાસ્ત નહીં કરું જે બંગાળમાં રહે છે અને બાઇક પર ફરે છે. મમતાએ જણાવ્યું કે તે પશ્ચિમ બંગાળને ગુજરાત નહીં બનવા દે.

મમતા આને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવેઃ હર્ષવર્ધન

દિલ્હી એઇમ્સના રેસિડન્સ ડૉકટર અસોસિયેશને બંગાળમાં ડૉકટર સામે હિંસા વિશે કેન્દ્રીય સ્વાસ્થ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધન સાથે મુલાકાત કરી હતી. હર્ષવર્ધને કહ્યું કે, હું મમતા બૅનરજીને અપીલ કરું છું કે, આને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવે. તેમણે ડૉકટરને અલ્ટિમેટમ આપ્યું તેના કારણે તેઓ નારાજ થઈને હડતાળ પર જતા રહ્યા. હું મમતા બૅનરજી સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયત્ન કરીશ. હું સમગ્ર દેશના ડૉકટરોને કહેવા માગીશ કે સરકાર તેમની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ડૉકટરોને અપીલ કરું છું કે તેઓ પ્રતિકાત્મક વિરોધ કરે અને તેમનું કામ ચાલુ રાખે.

આ પણ વાંચો : ઝારખંડમાં મોટો નક્સલી હુમલો, પાંચ પોલીસકર્મી શહીદ

મમતા સરકાર વાતચીતથી ઉકેલ લાવેઃ કોલકત્તા હાઈ કોર્ટ

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ડૉકટરોની હડતાળ વચ્ચે કોલકત્તા હાઈ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે. હાઈ કોર્ટે બંગાળ સરકારને કહ્યું કે, તે તરત જ હડતાળ કરી રહેલા ડૉકટરો સાથે વાતચીત કરે અને મામલાનો ઉકેલ લાવે. એટલું જ નહીં, હાઈ કોર્ટે મમતા સરકારને પૂછ્યું છે કે, તેઓએ ડૉકટરોની સુરક્ષા માટે કયા પગલાં ભર્યા છે. જણાવી દઈએ કે, એક જુનિયર ડૉકટર સાથે થયેલી મારપીટ બાદ રાજ્યભરના ડૉકટરો હડતાળ પર ઊતર્યા છે.

west bengal mamata banerjee national news