અમે ચૂંટણી પંચને કન્ટ્રોલ ન કરી શકીએ, ડેટા માટે એના પર ભરોસો રાખવો પડશે

25 April, 2024 08:52 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

VVPAT પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખીને કહ્યું... અમે ચૂંટણી પંચને કન્ટ્રોલ ન કરી શકીએ, ડેટા માટે એના પર ભરોસો રાખવો પડશે

પ્રતીકાત્મક તસવીર

ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ના મત અને વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ પર ૧૦૦ ટકા ક્રૉસ-ચેકિંગની માગણીના મુદ્દે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સુનાવણી બાદ એનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અમે ચૂંટણીપંચને કન્ટ્રોલ ન કરી શકીએ, ડેટા માટે આપણે ચૂંટણીપંચ પર જ ભરોસો રાખવો પડશે.

કોર્ટે સુનાવણી વખતે કહ્યું હતું કે ‘અમે શંકાના આધાર પર આદેશ ન આપી શકીએ, અમે કેટલાક નિશ્ચિત સ્પષ્ટીકરણ માગીએ છીએ. અમારા થોડા સવાલ હતા જેના જવાબ મળી ગયા છે. અમે ચુકાદો સુરક્ષિત રાખીએ છીએ.’

આ કેસમાં ૧૮ એપ્રિલે થયેલી સુનાવણીમાં કોર્ટે ચૂંટણીપંચને પૂછ્યું હતું કે મતદાન બાદ મતદારને VVPATમાંથી નીકળેલી સ્લિપ આપી શકાય કે નહીં. આ મુદ્દે પંચે કહ્યું હતું કે ‘VVPAT સ્લિપ આપવામાં મોટો ખતરો રહેલો છે. આનાથી મતની ગુપ્તતા જાળવી શકાશે નહીં. બૂથની બહાર જ એનો દુરુપયોગ થઈ શકે છે. એનો ઉપયોગ બીજા લોકો કેવી રીતે કરી શકે એ કંઈ કહેવાય નહીં.’

કોર્ટે કહ્યું હતું કે ‘જો આ મુદ્દે કોઈ સુધારાની જરૂર હશે તો અમે એ કરીશું. આ પહેલાં અમે VVPAT અનિવાર્ય કર્યું હતું. ત્યાર બાદ એકથી પાંચ VVPAT સ્લિપના મૅચિંગ માટે આદેશ આપ્યા હતા. ચૂંટણીપંચનું કહેવું છે કે ફ્લૅશ મેમરીમાં બીજો કોઈ પ્રોગ્રામ ફીડ થતો નથી, એમાં માત્ર ચૂંટણીચિહ્‍‍ન અપલોડ કરાય છે અને એ ઇમેજના રૂપમાં હોય છે. ટેક્નિકલ બાબતે આપણે ચૂંટણીપંચ પર ભરોસો રાખવો પડશે.’

election commission of india supreme court india Lok Sabha Election 2024 national news