ઉમેદવાર ફરિયાદ કરે તો EVMની તપાસ થશે, પણ એ માટેનો ખર્ચ ઉઠાવવો પડશે

27 April, 2024 02:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

VVPATના મુદ્દે આવી ગયો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઃ મતદાન EVMથી જ થશે, ૧૦૦ ટકા VVPAT સ્લિપ મૅચ કરવાની તમામ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

પ્રતીકાત્મક તસવીર

ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)ના મત અને વોટર વેરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ પર ૧૦૦ ટકા ક્રૉસ-ચેકિંગની માગણી કરતી તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે મતદાન EVMથી જ થશે, બૅલટ-પેપરથી મતદાન થશે નહીં.

ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આ મહત્ત્વનો ચુકાદો સર્વસંમતિથી આપ્યો હતો.

દેશમાં ૧૯૮૨માં પહેલી વાર કેરલામાં EVMથી મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જોકે EVMથી મતદાન કરાવવાના કેસમાં ઉમેદવાર ફરિયાદ કરે તો EVMની તપાસ થશે, પણ એ માટેનો ખર્ચ ઉમેદવારે ઉઠાવવો પડશે. ૪૨ વર્ષ બાદ EVMની તપાસનો રસ્તો ખુલ્લો થયો છે.

શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય?

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મતદાન EVM મશીનથી જ થશે. EVM અને VVPATનું ૧૦૦ ટકા વેરિફિકેશન નહીં કરાય. VVPAT સ્લિપ ઉમેદવારોની સહી સાથે ૪૫ દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. મતદાન પૂરું થયા બાદ સિમ્બૉલ લોડિંગ યુનિટને પણ સીલ કરી દેવામાં આવે. એના પર ઉમેદવાર અને તેમના પ્રતિનિધિ હસ્તાક્ષર કરશે. સિમ્બૉલ લોડિંગ યુનિટ ધરાવતાં કન્ટેનરોને રિઝલ્ટ જાહેર થયા બાદ કમસે કમ ૪૫ દિવસ માટે EVMની સાથે સ્ટોર રૂમમાં રાખવામાં આવે. એને EVMની જેમ જ ખોલવામાં અને બંધ કરવામાં આવે. સિસ્ટમ પર આંધળો અવિશ્વાસ કરી શકાય નહીં. વિશ્વાસ રાખવો અને સંવાદિતા જાળવવી એ જ લોકશાહીનો અર્થ છે

EVMની તપાસનો વિકલ્પ ખુલ્લો

પરિણામોની જાહેરાત પછી બીજા કે ત્રીજા નંબરે આવનારા ઉમેદવારોને એવું લાગે કે EVM સાથે છેડછાડ થઈ છે તો તેની પાસે ટે​ક્નિકલ ટીમ દ્વારા EVMના માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની ચકાસણી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હશે જે પરિણામની જાહેરાતના સાત દિવસની અંદર કરી શકાશે. EVM બનાવનારી કંપનીના એન્જિનિયરો એની તપાસ કરશે. કોઈ પણ લોકસભા ક્ષેત્રમાં સામેલ પાંચ વિધાનસભા મતવિસ્તારના ટોટલ EVMમાંથી પાંચ ટકા EVM મશીનની તપાસ કરી શકાશે. EVMની પસંદગી ઉમેદવાર કે એનો પ્રતિનિધિ કરી શકશે. આ માટેનો ખર્ચ ઉમેદવારે પોતે ઉઠાવવો પડશે. કેટલો ખર્ચ આવશે એની જાણકારી ચુકાદામાં આપવામાં આવી નથી. તપાસ પૂરી થયા બાદ ચૂંટણીપંચ આ જાણકારી આપશે. કોઈ પણ પરિસ્થિતિમાં EVM યુનિટને કોઈ પ્રકારનું નુકસાન થાય તો એનું વળતર ચૂકવવું પડશે, પણ EVMમાં છેડછાડ થઈ હોવાનું સાબિત થશે તો ઉમેદવારને ખર્ચની રકમ પાછી આપી દેવામાં આવશે.

શું છે હાલની સિસ્ટમ?

હાલમાં VVPAT વેરિફિકેશન હેઠળ લોકસભા મતવિસ્તાર હેઠળ વિધાનસભા મતવિસ્તારનાં પાંચ મતદાનમથકોના EVM મતો અને VVPAT સ્લિપનું વેરિફિકેશન થાય છે.

કોણે કરી હતી અરજી?

ઑગસ્ટ ૨૦૨૩માં અસોસિએશન ફોર ડેમોક્રૅટિક રિફૉર્મ્સ (ADR)એ EVM વોટ અને VVPAT સ્લિપના ૧૦૦ ટકા મૅચિંગની માગણી કરતી અરજી દાખલ કરી હતી.

શું કહ્યું ચૂંટણીપંચે?

EVMની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતી અરજીઓને ૪૦ વાર કોર્ટ ફગાવી ચૂકી છે એટલે આ નિર્ણય બાદ દેશમાં કોઈએ પણ EVM વિશે શંકા કરવી જોઈએ નહીં એમ જણાવતાં ચૂંટણીપંચે કહ્યું હતું કે ‘આવા પ્રશ્નો હવે પૂછવામાં નહીં આવે એવી અમે આશા રાખીએ છીએ. હવે અવિશ્વાસના પ્રકરણનો અંત લાવવાનો સમય છે. કોર્ટના નિર્ણયનું સન્માન કરવામાં આવે છે. ચૂંટણીનું આયોજન એક લાંબી પ્રક્રિયા છે જે અમે ગંભીરતા અને પ્રમાણિકતાથી કરીએ છીએ. મતદારોના મનમાં સવાલો ઊઠી રહ્યા છે.
ચૂંટણી-સુધારણા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.’

આ ચુકાદો વિપક્ષોના મોં પર તમાચા સમાન : નરેન્દ્ર મોદી

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં અરરિયાની ચૂંટણીસભામાં કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વિપક્ષોના મોં પર તમાચા સમાન છે. વિપક્ષોએ દેશની માફી માગવી જોઈએ. તેમણે બૅલટ-પેપર લૂંટીને રાજ કર્યું છે. તેઓ EVM હટાવવા માગતા હતા, પણ તેમનાં સપનાં ચૂર-ચૂર થઈ ગયાં છે.`

Lok Sabha Election 2024 Lok Sabha election commission of india india supreme court national news