વાયુના કારણે રાજ્યમાં પૂરનું જોખમ ? ચોમાસુ પાછુ ઠેલાઈ શકે છે !!

12 June, 2019 08:08 PM IST  |  નવી દિલ્હી

વાયુના કારણે રાજ્યમાં પૂરનું જોખમ ? ચોમાસુ પાછુ ઠેલાઈ શકે છે !!

દિલ્હી : વાયુ વાવાઝોડું (Vayu Cyclone) ગુજરાતમાં વિનાશ વેરવા આવી રહ્યું છે. વાવાઝોડાની સંભવિત અસરથી બચાવવા માટે રાજ્યમાં તમામ પગલાં લેવાઈ રહ્યા છે. જો કે હવામાન વિભાગને વાયુની અસરને લઈ બીજી જ ચિંતા છે. ગુજરાતનું હવાનામ વિભાગ વાયુની સ્થિતિ પર ધ્યાન આપી રહ્યું છે, ત્યારે દેશના હવામાન વિભાગના અધિકારીઓને ચિંતા છે કે વાયુ વાવાઝોડાને કારણે ચોમાસા પર અસર થઈ શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું વાયુ વાવાઝોડું વરસાદના વાદળોને પણ પોતાની સાથે તાણી લઈ જઈ શકે છે.

ચોમાસું થઈ શકે છે મોડું

મળતી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડું ભલે માત્ર ગુજરાતમાં ત્રાટકી રહ્યું હોય, પરંતુ તેની અસર ઉત્તર ભારતમાં પણ પડી શકે છે. વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયા કાંઠે જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે. આ પવન વરસાદના વાદળોને પણ ખેંચી જઈ શકે છે. જો આમ થશે તો ચોમાસું હજી મોડુ થઈ શકે છે. જો 'વાયુ' વાવાઝોડાના કારણે ઉત્તર ભારતમાં ચોમાસુ મોડું પડશે તો ખેડૂતો માટે સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે. હાલ એક તો આકરી ગરમીને કારણે ઉત્તર ભારતના લોકો પરેશાન છે, ખાસ કરીને ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

દુષ્કાળના એંધાણ

ગયા વર્ષે પણ દેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો હોવાને કારણે જળાશયો અત્યારથી ખાલી થઈ ગયા છે. ભૂગર્ભ જળ પણ સતત નીચું જઈ રહયું છે. ત્યારે જો વરસાદ હજી ખેંચાય તો ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા વધુ વિકટ બની શકે છે. જો વરસાદ નહીં પડે તો ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા સર્જાશે. જેના પરિણામે ઉત્તર ભારતમાં દુકાળની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ વાયુ સાઈક્લોનઃ અહીં LIVE જુઓ, પોરબંદર તરફ ફંટાયું

ગુજરાત પર પૂરનો ખતરો

હાલ વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુના કારણે રાજ્યના દરિયકાંઠાના વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વરસાદને કારણે રાજ્યની કેટલીક નદીમાં પૂર પણ આવે તેવી શક્યતા છે. જેને કારણે રાજ્ય પર પૂરનું પણ સંકટ સર્જાયું છે.

gujarat delhi news