Uttar Pradesh Crime: યુટ્યુબ જોતાં જોતાં સર્જરી કરતા ડોક્ટરે મહિલાના પેટની નસો કાપી નાખી- થયું મોત

11 December, 2025 01:03 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

Uttar Pradesh Crime: ફેક ડોકટરે મહિલાદર્દીની સર્જરી કરી હતી. યુટ્યુબ જોતા જોતા આ મહાશય સર્જરી કરતા હતા તેમાં મહિલાને પોતાનો જાન ખોઈ બેસવાનો વારો આવ્યો છે. આરોપીઓ પાસે કોઈ મેડિકલની ડિગ્રી નહોતી.

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના બારાબંકીમાંથી એક હચમચાવી મૂકતા સમાચાર (Uttar Pradesh Crime) સામે આવ્યા છે. અહીં ફેક ડોકટરે મહિલાદર્દીની સર્જરી કરી હતી. યુટ્યુબ જોતા જોતા આ મહાશય સર્જરી કરતા હતા તેમાં મહિલાને પોતાનો જાન ખોઈ બેસવાનો વારો આવ્યો. 

શું છે ઘટનાક્રમ?

વાત (Uttar Pradesh Crime) એમ છે કે પાંચમી ડિસેમ્બરના રોજ મુનીશરા રાવત નામની મહિલાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. મહિલાએ પરિવારને આ વિષે ફરિયાદ કરી. ત્યારબાદ પરિવાર આ મહિલાને કોઠી બજારની શ્રી દામોદર ડિસ્પેન્સરી નામની હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ હોસ્પિટલ જ્ઞાન પ્રકાશ મિશ્રા અને વિવેક મિશ્રા નામના બે વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે. પોતાને ડોક્ટર કહેવડાવતા આ પ્રકાશભાઈએ મહિલાની તપાસ કરીને કહ્યું કે તેના પેટમાં પથરી છે. આશરે પચીસ હજાર રૂપિયાના ખર્ચ સાથે આ સર્જરી કરાવવી પડશે. આખરે પરિવાર ૨૦ હજાર આપવા તૈયાર થઇ ગયો. પૈસા મળ્યા બાદ જ્ઞાન પ્રકાશે દારૂ પીધો હતો. નશામાં ધૂત પ્રકાશે યુટ્યુબ વીડિયો જોતા જોતા મહિલાનું ઓપરેશન પ્રક્રિયા હાથ ધરી હતી. તેણે બેભાન પણે મહિલાના પેટ પર ચીરો મૂક્યો. આડેધડ કાપાકૂપ કરવાથી મહિલાના આંતરડા, નળીઓને નુકસાન થયું. આ ભાઈએ તો મહિલાના શરીરના અંદરની અમુક નસો પણ કાપી નાખી. સર્જરી બાદ આખી રાત મહિલા પીડાતી રહી. બીજા દિવસે તો હોસ્પિટલમાં જ તેણે દમ તોડી નાખ્યો.  

ફરાર થયા ડોકટરો 

મહિલાનું મોત થયું ત્યાર પછી હોસ્પિટલનો મેનેજર જ્ઞાન પ્રકાશ મિશ્રા અને તેનો પરિવાર નાસી ગયા. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે (Uttar Pradesh Crime) પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.  ડોકટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું.  નવમી ડિસેમ્બરના રોજ મૃતક મહિલા મુનીશરાના પતિ ફતેહ બહાદુરે કોઠી પોલીસ સ્ટેશનમાં જ્ઞાન પ્રકાશ મિશ્રા અને વિવેક મિશ્રા પર કેસ નોંધાવ્યો. પોલીસે એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો. પતિએ એવા પણ આરોપ લગાવ્યા છે કે આ હોસ્પિટલ નકલી છે. પોતાને ડોક્ટર કહેવડાવતા આરોપીઓ પાસે કોઈ મેડિકલની ડિગ્રી નથી.

શું કહ્યું પોલીસ અધિકારીએ?

આ ક્રૂરતા ભરેલી બીના (Uttar Pradesh Crime) વિશે વાત કરતા એક વરિષ્ઠ પોલીસ અધિકારી અમિત સિંહ ભદોરિયા જણાવે છે કે, "આ સમગ્ર પ્રકરણ વિષે જાણ્યા પછી અમે આ અનાધિકૃત હોસ્પિટલની તપાસ કરી છે. અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તે બંધ હતી. અમે નોટિસ પાઠવી છે. આરોપી હાલમાં ફરાર છે; જોકે, તેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે." કોઠી પોલીસ સ્ટેશનના અધિકારી અમિત સિંહ ભદોરિયાએ તો  એમ પણ કહ્યું હતું કે મૃતક મહિલાના પતિ અને સીએચસી ડૉક્ટરની એફઆઈઆરને પણ આ કેસમાં સામેલ કરવામાં આવી છે.”

national news india uttar pradesh Crime News youtube