19 July, 2024 12:30 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડર ગ્રૅજ્યુએટ્સ (NEET-UG)ની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે ગઈ કાલે નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને શનિવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં તમામ વિદ્યાર્થીઓનાં રિઝલ્ટ તેમનાં શહેર અને કેન્દ્ર મુજબ ઑનલાઇન અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ સિવાય કોર્ટે વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ પર બાવીસમી જુલાઈ સુધી રોક લગાડવાની NTAની માગ ઠુકરાવી દીધી હતી અને સોમવારે વધુ સુનાવણી કરવા કહ્યું હતું. ત્યાર બાદ સરકાર વતી સૉલિસિટર જનરલે કોર્ટને કહ્યું હતું કે કાઉન્સેલિંગ શરૂ કરવામાં થોડો સમય લાગશે, અમે એને ૨૪ જુલાઈની આસપાસ શરૂ કરીશું.
NEET-UGની ફેરપરીક્ષા લેવાના મામલે કોર્ટે કહ્યું હતું કે અમુક વિદ્યાર્થીઓની ઇચ્છાને આધારે આ નિર્ણય ન લઈ શકાય. કોર્ટમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) મદ્રાસના રિપોર્ટ પર પણ ચર્ચા થઈ હતી જેમાં પરીક્ષામાં કોઈ ગરબડ ન થઈ હોવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટ ૪૦થી વધારે યાચિકા પર સુનાવણી કરી રહી છે જેમાં NEET-UGની પરીક્ષા રદ કરવી, ફેરપરીક્ષાનો આદેશ આપવો, પરીક્ષાના સંચાલનમાં થયેલી ગેરરીતિઓની તપાસ કરાવવા સહિતના મુદ્દા સામેલ છે.