UP Temple Stempede: મંદિરના વીજતાર પર કુદ્યા વાંદરા- મચી ભાગદોડ! ૨નાં મોત- ૪૦ ઘાયલ

29 July, 2025 10:54 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

UP Temple Stempede: અચાનકથી કરંટ ફેલાઈ જતાં બે શ્રદ્ધાળુઓનાં મોત નીપજયાં છે. આ સાથે જ અન્ય ચાલીસ જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.

પ્રતીકાત્મક તસવીર

UP Temple Stempede: તાજેતરમાં જ હરિદ્વારમાં મનસાદેવી મંદિરમાં સ્ટેમ્પીડ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. આ કરુણ ઘટનામાં કુલ ૬ લોકોના મોત થયા હતા. કાવડ યાત્રા બાદ રસ્તો ખોલવામાં આવ્યો હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવ્યા હતા અને તે દરમિયાન થયેલી નાસ્ભાગે આ લોકોનો જીવ લીધો હતો. આ બનાવમાં અન્ય પંદર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે આજે સોમવારની સવારે ઉત્તરપ્રદેશના બારાબંકીમાં અવસાનેશ્વર મહાદેવના મંદિરમાં કરુણ ઘટના બની છે. જલાભિષેક માટે મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ધસી આવ્યા હતા. જેને કારણે નાસભાગ મચી ગઈ હતી. તે દરમિયાન અચાનકથી કરંટ ફેલાઈ જતાં બે શ્રદ્ધાળુઓનાં મોત નીપજયાં છે. આ સાથે જ અન્ય ચાલીસ જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.

લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ કરુણાંતિકા (UP Temple Stempede) આજે વહેલી પહોરે આશરે 3 વાગ્યાની આસપાસ બની હતી. ભગવાન શિવ પર જલાભિષેકનો લાભ લેવા માટે મોટા પ્રમાણમાં શ્ર્દ્ધાળુઓ મંદિરના પરિસરમાં એકઠા થયા હતા. આ દરમિયાન એક વાંદરો વીજળીના તાર પર કૂદી પડ્યો હતો. વાંદરાના કૂદવાથી વીજળીનો તાર તૂટી ગયો હતો અને મંદિર પરિસરમાં લગાડવામાં આવેલા ટીન શેડ પર પડ્યો હતો. વીજળીનો વાયર પડતાં જ તેમાંથી વહેતો વીજપ્રવાહ શેડમાં પ્રસર્યો હતો. જેના કારણે ત્યાં હાજર રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. 

આ ઘટના (UP Temple Stempede) બાદ અત્યારે મંદિર પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તોને ત્રિવેદિગંજ અને હૈદરગઢના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. બારાબંકીના જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠી અને પોલીસ અધિક્ષક (એસપી) અર્પિત વિજયવર્ગીય અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓએ પણ એ જ વાતને કન્ફર્મ કરી છે કે કેટલાક વાંદરાના વીજળીના તાર પર કૂદવાથી તાર તૂટી ગયો હતો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડી ગયો હતો. પરિણામે ગભરાટ ફેલાયો હતો અને સ્ટેમ્પીડ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

મૃતકોમાં ૨૨ વર્ષના પ્રશાંત અને અન્ય ૨૫ વર્ષના યુવકનું નામ સામે આવ્યું છે. આ ઘટનાના સાક્ષી રહેલા એક પ્રત્યક્ષદર્શીએ આ મામલે જણાવ્યું હતું કે એક વાંદરો મંદિર પરિસરના શેડ પરના ઇલેક્ટ્રિક વાયર પર કૂદી પડ્યો હતો. વાંદરાના કૂદવાથી તે તાર તૂટીને નીચે પડ્યો હતો. સાક્ષીઓએ એવું પણ જણાવ્યું છે કે આ બીના બની ત્યારે મંદિરમાં પોલીસ દળો પહેલેથી જ હાજર હતા. હાલમાં આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશમાં સ્થિત અવસાનેશ્વર મહાદેવ મંદિર (UP Temple Stempede)નું પૌરાણિક મહત્વ પણ ઘણું છે. આજે જયારે શ્રાવણનો પ્રથમ સોમવાર છે ત્યારે મોટા પ્રમાણમાં લોકોનું મહેરામણ ઉમટ્યું હતું.

બે દાયકામાં ૧૧૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ નાસભાગમાં જીવ ગુમાવ્યો

આ વર્ષે અત્યાર સુધી વિવિધ ધર્મસ્થાનો કે અન્ય સ્થાનો પર નાસભાગને લીધે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૮૦ જેટલી થઈ ગઈ છે. આવાં સ્થાનો પર મોટી સંખ્યામાં ભેગા થયેલા ભક્તોની ભીડ બેકાબૂ થતાં કે નાસભાગ મચી જતાં આવી દુર્ઘટનાઓ સર્જાય છે.

૨૦૧૪માં દશેરાની ઉજવણી દરમિયાન પટનામાં ૨૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૨૦૧૩માં મધ્ય પ્રદેશમાં રતનગઢ મંદિરમાં નવરાત્રિમાં થયેલી નાસભાગને લીધે ૧૧૫ ભક્તો મૃત્યુ પામ્યા હતા. ૨૦૧૨માં પટનામાં છઠપૂજાની ઉજવણી દરમિયાન ૧૮ ભક્તોના જીવ ગયા હતા. ૨૦૧૧માં ગંગાકિનારે હરિદ્વારમાં થયેલી નાસભાગમાં ૨૦ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા. ૨૦૧૧માં કેરલામાં ભક્તોની ભીડ પર જીપ ફરી વળતાં થયેલી નાસભાગમાં ૧૦૪ સબરીમાલાના ભક્તો મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત ૨૦૧૦માં ઉત્તર પ્રદેશના રામજાનકી મંદિરમાં થયેલી નાસભાગમાં પણ ૬૩ ભક્તોએ જીવ ગુમાવ્યા હતા. ૨૦૦૮માં રાજસ્થાનના ચામુંડા દેવી મંદિરમાં ૨૨૦થી ૨૬૦ જેટલા અને હિમાચલ પ્રદેશના નૈનાદેવી મંદિરમાં ૧૬૨ જેટલા ભક્તોએ જીવ ગુમાવ્યો હતો. ૨૦૦૫માં મહારાષ્ટ્રના માંધરદેવીની યાત્રા દરમિયાન ૩૪૦ શ્રદ્ધાઓનો જીવ ગયો હતો તો ૨૦૦૩માં નાશિક કુંભમાં ૩૯ ભક્તોનાં મૃત્યુ થયાં હતાં.

national news india uttar pradesh religious places