આજે પીએમ નરેન્દ્ર મોદી માટે માતૃવંદનાનો અવસર

18 June, 2022 12:33 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

માતા હીરાબાને શતાયુ નિમિત્તે શુભકામના પાઠવી આશીર્વાદ મેળવશે અને જગદ જનની મહાકાળી માતાના દરબારે પહોંચી શીશ નમાવી આશીર્વાદ મેળવશે, તો વડોદરામાં મુખ્ય પ્રધાન માતૃશક્તિ યોજનાનું કરશે લોકાર્પણ

પાવાગઢ પર બનેલું નવનિર્મિત મંદિર, દૂધિયું તળાવ સહિત પાવાગઢનો ડુંગર.

માતા હીરાબાને શતાયુ નિમિત્તે શુભકામના પાઠવી આશીર્વાદ મેળવશે અને જગદ જનની મહાકાળી માતાના દરબારે પહોંચી શીશ નમાવી આશીર્વાદ મેળવશે, તો વડોદરામાં મુખ્ય પ્રધાન માતૃશક્તિ યોજનાનું કરશે લોકાર્પણ, જ્યાં સતીના જમણા પગની આંગળીઓ પડી છે એવા પાવાગઢના ડુંગર પર આવેલા શક્તિપીઠ કાલિકા માતાજીના મંદિર પર ૫૦૦ વર્ષ પછી આજે લહેરાશે ધજા

ગુજરાત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે આજે માતૃવંદનાનો અવસર છે. તેમનાં માતા હીરાબાને આજે શતાયુ નિમિત્તે શુભકામના પાઠવી આશીર્વાદ મેળવવાનો અવસર છે તો બીજી તરફ પાવાગઢના ડુંગરે બિરાજમાન જગદ જનની મહાકાળી માતાના દરબારે પહોંચી શિશ નમાવી આશીર્વાદ મેળવીને શક્તિપીઠના નવનિર્મિત મંદિર અને શિખર પર ૫૦૦ વર્ષ પછી ધજારોહણ કરશે. જ્યારે વડોદરામાં મુખ્ય પ્રધાન માતૃશક્તિ યોજના સહિતનાં કાર્યોનું લોકાર્પણ કરશે.
નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનો આજે ૧૦૦મો જન્મદિવસ છે ત્યારે તેઓ હીરાબાને શુભકામના પાઠવીને તેમના આશીર્વાદ મેળવવા જઈ શકે છે. હીરાબાને શુભકામના પાઠવીને નરેન્દ્ર મોદી પાવાગઢના ડુંગરે કાલિકા માતાજીના મંદિરે દર્શન કરવા જશે.
જ્યાં દેવી સતીના જમણા પગની આંગળીઓ પડી અને કાલિકા માતાજીનું શક્તિપીઠ સ્થપાઈ એ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢના ડુંગર પર ૫૦૦ વર્ષ પછી આજે ધજા લહેરાશે. અંદાજિત ૫૦૦ વર્ષ પહેલા મોહમ્મદ બેગડાએ આક્રમણ કર્યું હતું અને કાલિકા માતાના મંદિરના શિખર અને ધજાને ધ્વસ્ત કરવામાં આવ્યાં હતા. પંદરમી સદીમાં પાવાગઢ પર ચડાઈ થયા બાદ પાંચ સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. પરંતુ હવે ૧૩૭ કરોડના ખર્ચે વિકાસ પામેલા પાવાગઢમાં નવનિર્મિત શિખર પર આજે નરેન્દ્ર મોદી ધજારોહણ કરશે. મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય અંદાજે ૧૨ કરોડના ખર્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે મંદિર સિવાયના સમગ્ર સંકુલના વિકાસ કામો માટે અંદાજે ૧૨૫ કરોડનો ખર્ચ કરાયો છે. આ ખર્ચ પૈકી ૭૦ ટકા  ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને ૩૦ ટકા ખર્ચ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી મહાકાળી માતાજીના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજાઅર્ચના કરશે તેમ જ વિરાસત વનની મુલાકાત લેશે.
બીજી તરફ વડોદરામાં આજવા રોડ પર આવેલા લેપ્રસી હૉસ્પિટલ મેદાનમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન માતૃશક્તિ યોજના અને પોષણ સુધા યોજના સહિત રૂપિયા ૨૧,૫૦૪ કરોડના શિક્ષણ, પરિવહન, પાણી, આવાસ, રેલવે, યુનિવર્સિટી સહિત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુરત અને ભૂમિપૂજન કરશે. નરેન્દ્ર મોદીની જાહેરસભામાં વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત ખેડા, આણંદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાઓમાંથી પાંચ લાખ લોકો ઊમટશે. યુવતીઓની તલવારબાજી અને ગરબા સહિતના કાર્યક્રમો યોજાશે.

national news narendra modi shailesh nayak