મની લોન્ડરિંગ કેસ : તૃણમૂલ સાંસદ અભિષેક બેનર્જી EDની ઓફિસમાં હાજર રહ્યાં, કહ્યું આ...

06 September, 2021 03:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મમતા બેનર્જીના ભત્રીજાએ કહ્યું, ‘જો આરોપ સાબિત થશે તો ફાંસી પર લટકી જઈશ’

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee)ના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી (Abhishek Banerjee)ની આજે દિલ્હીમાં આવેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)ની ઓફિસમાં મની લોન્ડરિંગ કેસની પૂછપરછ માટે હાજર થયા હતા. પૂછપરછ માટે હાજર રહેલા તૃણમૂલ સાંસદે કહ્યું હતું કે, ‘હું તપાસ એજન્સીને સહકાર આપીશ’.

કોલસાની દાણચોરીથી સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં ઇડીએ સાંસદ અભિષેક બેનર્જીની પૂછપરછ કરી હતી. અભિષેકની પત્ની રૂજીરા બેનર્જીને પણ એજન્સીએ બોલાવ્યાં હતાં, પરંતુ તેમણે કોરોના મહામારીનું કારણ જણાવીને તેમની ઘરે પૂછપરછ કરવાની અપીલ કરી હતી. અભિષેક બેનર્જીએ કેન્દ્રીય તપાસ એજન્સી અને ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘જો તપાસ એજન્સીઓ પાસે કોઈપણ કેસમાં મારી સામે કોઈ પુરાવા છે તો એને સાર્વજનિક કરવા જોઈએ. TMC તમારી (ભાજપ) સામે ક્યારેય ઝૂકશે નહીં. તમે જે કરી શકો એ કરો’. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ‘જો કોઈ સાબિત કરશે કે મેં કોઈ પાસેથી ૧૦ પૈસા પણ લીધા છે, તો હું પોતે ફાંસી પર લટકી જઈશ’.

અભિષેક બેનર્જી પર શું આરોપ છે?

અભિષેક બેનર્જી સહિત તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ પર કોલસાકૌભાંડનો આરોપ લાગ્યો છે. અભિષેક પર એવો આરોપ છે કે, બંગાળમાં ગેરકાયદે હજારો કરોડના કોલસાનું ખનન કરવામાં આવ્યું હતું અને એક રેકેટ મારફત કાળાં બજારમાં વેચવામાં આવતો હતો. આ કથિત કૌભાંડની તપાસ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી.

national news trinamool congress mamata banerjee enforcement directorate new delhi