૧૬ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણાનો ત્રીજો તબક્કો શરૂ

15 May, 2026 02:23 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં ઘરે-ઘરે ફરીને નોંધણી ૩૦ જૂનથી ૨૯ જુલાઈ દરમ્યાન : ડ્રાફ્ટ મતદારયાદી પાંચ ઑગસ્ટે અને ફાઇનલ યાદી ૭ ઑક્ટોબરે બહાર પડશે ઃ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને છોડીને આખા દેશમાં SIR પ્રક્રિયા શરૂ

પ્રતીકાત્મક તસવીર

ચૂંટણીપંચે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના ત્રીજા તબક્કાની જાહેરાત કરી દીધી છે. ત્રીજા તબક્કામાં ૧૬ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા શરૂ થશે. SIRના ત્રીજા તબક્કાના કાર્યક્રમ અને જનગણના અંતર્ગત હાઉસ લિસ્ટિંગ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને તારીખો નક્કી કરવામાં આવી છે જેથી બન્ને પ્રક્રિયાઓ વચ્ચે તાલમેળ બની રહે. 

કયા રાજ્યોમાં થશે SIR?

૧૬ રાજ્યો : આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણ, પંજાબ, ઓડિશા, ઝારખંડ, ઉત્તરાખંડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, સિક્કિમ, નાગાલૅન્ડ, ત્રિપુરા 
૩ કેન્દ્રશાસિત પ્રદેશો : દિલ્હી, ચંડીગઢ તથા દાદરા નગર હવેલી અને દીવ-દમણ

મતદાતાઓની સંખ્યા ઃ ઉપરોક્ત પ્રદેશોમાં કુલ ૩૬.૭૩ કરોડ મતદારોનું વેરિફિકેશન કરવામાં આવશે. 

તૈયારીઓ ઃ ત્રીજા તબક્કામાં લગભગ ૩.૯૪ લાખ બૂથ લેવલ ઑફિસર (BLO) નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની મદદ માટે રાજનીતિક પાર્ટીઓ તરફથી નિયુક્ત કરાયેલા ૩.૪૨ લાખ બૂથ લેવલ એજન્ટ પણ આ પ્રક્રિયામાં ભાગ લેશે.   

SIRના મુખ્ય તબક્કાઓની ડેડલાઇન

BLOની ઘરે-ઘરે ફરીને નોંધણી : ૩૦ મેથી ૧૪ ઑક્ટોબર દરમ્યાન અલગ-અલગ રાજ્યોમાં હાથ ધરાશે. મહારાષ્ટ્રમાં ૩૦ જૂનથી ૨૯ જુલાઈ દરમ્યાન આ પ્રક્રિયા થશે. 
ડ્રાફ્ટ મતદાર યાદી ઃ અલગ-અલગ રાજ્યોમાં આ ફેઝ પાંચ જુલાઈથી ૨૧ ઑક્ટોબર દરમ્યાન થશે. મહારાષ્ટ્રમાં ડ્રાફ્ટ યાદી પાંચ ઑગસ્ટે બહાર પડશે. 
ઑબ્જેક્શન અને દાવો ઃ અલગ-અલગ રાજ્યોમાં આ ફેઝ પાંચ જુલાઈથી ૨૦ નવેમ્બર સુધી ચાલશે. મહારાષ્ટ્રમાં પાંચમી ઑગસ્ટથી ૪ સપ્ટેમ્બર સુધી કોઈ આપત્તિ કે કરેક્શન માટેના દાવા કરી શકાશે. 
ફાઇનલ મતદાર યાદી ઃ અલગ-અલગ રાજ્યોમાં ૬ સપ્ટેમ્બરથી ૨૩ ડિસેમ્બર દરમ્યાન ફાઇનલ મતદાર યાદી બહાર પડશે. મહારાષ્ટ્રમાં ૭ ઑક્ટોબરે ફાઇનલ યાદી બહાર આવશે. 

ચૂંટણીપંચે ૨૦૨૫ના જૂન મહિનામાં SIR પ્રક્રિયા હાથ ધરી હતી. અત્યાર સુધીમાં ૧૦ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR થઈ ચૂકી છે. 

ત્રીજા તબક્કા પછી હવે માત્ર હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં જ SIRનું શેડ્યુલ આવવાનું બાકી રહેશે.

national news india election commission of india maharashtra news maharashtra himachal pradesh jammu and kashmir ladakh