વડા પ્રધાન ૧૦ જાન્યુઆરીએ કરશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન

23 November, 2021 11:57 AM IST  |  Mumbai | Agency

અમેરિકા, જર્મની, જપાન, દુબઇ સહિતના દેશોમાં પ્રચાર માટે યોજાશે રોડ શો

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા.

કોરોના હળવો થતાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૦ જાન્યુઆરીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરીને ફરી એકવાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરાવશે. ૧૦થી ૧૨ જાન્યુઆરી-૨૦૨૨ દરમ્યાન ૧૦મા વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન હાથ ધરાયું છે અને તેના ભાગરૂપે ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂપિયા ૨૪,૧૮૫ કરોડના એમઓયુ થયા હતા.
વાઇબ્રન્ટ ગુજરાતના આયોજન અંગે માહિતી આપતાં ગુજરાતના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘વાઇબ્રન્ટ સમિટ પૂર્વે ગુજરાતમાં દસ જેટલા વિવિધ ક્ષેત્રોના પ્રી- ઇવેન્ટ કાર્યક્રમો યોજાશે. ૧૦મી વાઇબ્રન્ટ સમિટમાં ૧૫થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થશે.’ 
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર માટે દેશ-વિદેશમાં રોડ શો યોજાશે. જેમાં અમેરિકા, જર્મની, નેધરલૅન્ડ, યુકે, ફ્રાન્સ, જપાન, દુબઇ, અબુધાબી તથા મિડલ ઈસ્ટના દેશોમાં રોડ શો યોજાશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ૮ અને ૯ ડિસેમ્બરે દુબઇ અને અબુધાબીમાં રોડ શોમાં હાજર રહેશે. દેશનાં ૬ રાજ્યોમાં દિલ્હી, મુંબઈ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઈ અને બૅન્ગલોરમાં પણ રોડ શોનું આયોજન કરાયું છે. વાઇબ્રન્ટ સમિટ સુધીમાં દર સોમવારે મોટા અને વિશિષ્ટ પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવશે. ૧૦ જાન્યુઆરીથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ પર ગ્લોબલ ટ્રેડ શો યોજાશે.

national news gujarat news narendra modi