કઝાખસ્તાનની ગ્રૅન્ડ મસ્જિદમાં છવાયો ભારતમાં બનેલો સૌથી વિશાળ ગાલીચો

09 October, 2025 11:34 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના કાલીનનગરી તરીકે જાણીતા ભદોહી ગામના ૧૦૦૦ કલાકારોએ છ મહિનામાં ૧૨,૪૬૪ સ્ક્વેર મીટરમાં બનાવેલો ગાલીચો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‌સમાં સ્થાન પામ્યો

નૂર-સુલતાન ગ્રૅન્ડ મસ્જિદ

કઝાખસ્તાનના અસ્તાના શહેરમાં મધ્ય એશિયાની સૌથી મોટી નૂર-સુલતાન ગ્રૅન્ડ મસ્જિદ આવેલી છે. એની અંદરનું ક્ષેત્ર ૧૨,૪૬૪ સ્ક્વેર મીટર છે. એમાં બિછાવવામાં આવેલો પર્શિયન ડિઝાઇનનો ગાલીચો હવે વિશ્વના સૌથી વિશાળ ગાલીચાનું સન્માન પામ્યો છે. આ ગાલીચો ભારતના કલાકારોએ હાથથી ગૂંથ્યો છે. 

૧૯ સપ્ટેમ્બરે આ ગાલીચાને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‌સમાં સ્થાન મળ્યું હતું. આ અદ્વિતીય ગાલીચો ઉત્તર પ્રદેશના ભદોહી ગામની પાટોદિયા એક્સપોર્ટ કંપની દ્વારા તૈયાર થયો છે. આ કંપનીના ૧૦૦૦ વણકરોએ છ મહિનાની મહેનતે આ ખાસ ગાલીચો તૈયાર કર્યો હતો. ગાલીચો બન્યા પછી એને પાથરવાનું કામ પણ વિશેષજ્ઞો દ્વારા થયું હતું. ૫૦ વિશેષજ્ઞોએ ૫૦ દિવસમાં એ કામ પૂરું કર્યું હતું. ગાલીચાને ૧૨૫ અલગ-અલગ ટુકડામાં તૈયાર કરવામાં આવ્યો હતો જેને એવી રીતે ગૂંથવામાં આવ્યો હતો જેથી એક આખી પર્શિયન ડિઝાઇન તૈયાર થાય અને એક જ ગાલીચાનું દૃશ્ય નિર્માણ થાય. નૂર-સુલતાન ગ્રૅન્ડ મસ્જિદ ૨૦૨૧માં બનવાની શરૂ થઈ હતી. એમાં ગાલીચો બનાવવા માટે અમેરિકા અને ચીનના નિષ્ણાતોએ પણ તૈયારી બતાવી હતી, પરંતુ ભારતના ભદોહીના રવિ પાટોદિયાની કંપનીને આ કામ મળ્યું હતું. ૧૫ લાખ ડૉલર એટલે કે લગભગ ૧૩.૩૧ કરોડ રૂપિયામાં ગાલીચો બનાવીને બિછાવવાનું કામ થયું હતું.

ભદોહીના વણકરોની આ કલા ભારતના હસ્તશિલ્પ ઉદ્યોગ માટે ગર્વનો વિષય છે. 

national news india guinness book of world records uttar pradesh kazakhstan