ગેમચેન્જર છે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનો મોદીનો ગતિશક્તિ માસ્ટર પ્લાન

14 October, 2021 11:24 AM IST  |  New Delhi | Agency

લૉજિસ્ટિક ખર્ચ ઘટાડવા અને અર્થતંત્રને વેગ આપવા માટે મલ્ટિ-મોડેલ કનેક્ટિવિટી માટેનો નૅશનલ માસ્ટર પ્લાન લૉન્ચ

ગેમચેન્જર છે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનો મોદીનો ગતિશક્તિ માસ્ટર પ્લાન

લૉજિસ્ટિક ખર્ચ ઘટાડવા અને અર્થતંત્રને વેગ આપવા માળખાકીય સુવિધા વિકસાવવાના હેતુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનો મલ્ટિ-મોડેલ કનેક્ટિવિટી માટેનો નૅશનલ માસ્ટર પ્લાન લૉન્ચ કર્યો હતો. 
વડા પ્રધાન ગતિશક્તિનું લક્ષ્ય લૉજિસ્ટિક ખર્ચ ઘટાડવાનો, કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વધારવાનો તેમ જ ટર્નઅરાઉન્ડ ટાઇમ ઘટાડવાનો હોવાનું જણાવતાં પ્લાન લૉન્ચ કરવા યોજાયેલા કાર્યક્રમમાં મોદીજીએ વધુમાં ઉમેર્યું હતું કે આ યોજના હેઠળ તમામ સંબંધિત વિભાગોને એક પ્લૅટફૉર્મ પર જોડીને પ્રોજેક્ટ્સને વધુ શક્તિ અને ઝડપ આપવાની કોશિશ કરાશે. વિવિધ મંત્રાલયો અને રાજ્ય સરકારોની માળખાકીય યોજનાઓ એક સામાન્ય દૃષ્ટિ સાથે ડિઝાઇન અને અમલમાં મૂકવામાં આવશે. 
ભૂતકાળમાં વિકાસમાં સુસ્ત અભિગમ અપનાવીને જાણે કે કરદાતાઓનાં નાણાં અપમાનિત થતાં હતાં, વિભાગમાં કામ અલગ-થલગ થતાં હતાં તેમ જ પ્રોજેક્ટ્સમાં સંકલનનો અભાવ હતો. ગુણવત્તાયુક્ત માળખાકીય સવલતો વગર વિકાસ સંભવ નથી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હવે સરકારે સર્વગ્રાહી વિકાસ સાધવાનો સંકલ્પ કર્યો છે. ગતિશક્તિ માર્ગથી રેલવે અને ઉડ્ડયનથી કૃષિ સુધીના તમામ પ્રોજેક્ટ્સના વિવિધ વિભાગોના સંકલન માટે વિવિધ વિભાગો સાથે જોડાય છે.
ભારતમાં જીડીપીના ૧૩ ટકા ઊંચા લૉજિસ્ટિક્સ ખર્ચ નિકાસમાં સ્પર્ધાત્મકતાને અસર કરી રહ્યા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે પીએમ ગતિશક્તિનો હેતુ લૉજિસ્ટિક ખર્ચ અને ટર્ન-અરાઉન્ડ સમય ઘટાડવાનો છે.

national news narendra modi new delhi