કોવેક્સિનની અસરકારકતા ૫૦ ટકા જ છે

25 November, 2021 12:04 PM IST  |  New Delhi | Agency

કોવેક્સિનના ૧૩ કરોડ જેટલા ડોઝ અપાયા, ડેલ્ટા વેરિયન્ટ સામે રસીની અસરકારકતા ઘટી

કોવેક્સિનની અસરકારકતા ૫૦ ટકા જ છે

પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ લેન્સેટમાં ભારતીય બનાવટની કોવિડ રસી કોવેક્સિનને પચાસ ટકા જ અસરકારક ગણાવવામાં આવી છે. ભારતમાં વ્યાપકપણે વપરાયેલી આ રસીની અસરકારકતા શરૂઆતના અનુમાન કરતાં ઓછી નીવડી હોવાનું અભ્યાસલેખમાં જણાવાયું છે.
દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના સંશોધકોએ ર૭૧૪ હેલ્થવર્કરની વિગતોનો અભ્યાસ કરીને લેન્સેટ ઈન્ફેક્શિયસ ડિઝિઝ જર્નલમાં પ્રકાશિત કર્યો છે. આ અભ્યાસલેખમાં હેલ્થવર્કરની કામ કરવાની જોખમી પરિસ્થિતિ, ભારતમાં કોરોનાની અસર, ડેલ્ટા વેરિયન્ટ વગેરે જેવી બાબતોને ધ્યાનમાં રાખી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 
ડેલ્ટા વેરિયન્ટ સામે રસીની અસરકારકતા ઘણી ઘટી ગયેલી નોંધાઈ છે. અગાઉ ગત જાન્યુઆરીમાં ત્રીજી હ્યુમન ટ્રાયલ પૂરી કર્યા પહેલાં કોવેક્સિનને મંજૂરી આપી દેવા સામે ઘણી ટીકા કરવામાં આવી હતી. વિશ્વ આરોગ્ય કેન્દ્રએ પણ ભારતની કોવેક્સિનને ઈમર્જન્સી વપરાશ માટે મંજૂરી આપવામાં ઘણો સમય લીધો હતો. અમુક નિષ્ણાતો દ્વારા કોવેક્સિનના સંશોધનમાં પૂરતી વિગતો ન હોવાની ફરિયાદો પણ થઈ છે.
વિવિધ સ્ટડીઝમાં બહાર આવ્યું છે કે, કોરોનાની લગભગ તમામ વેક્સિન્સની અસરકારકતા અત્યંત ચેપી ડેલ્ટા વેરિઅન્ટ્સ વિરુદ્ધ ઘટી છે. અત્યાર સુધીમાં કોવેક્સિનના ૧૩ કરોડ ડોઝ ભારતમાં આપવામાં આવ્યા છે.

new delhi coronavirus covid vaccine covid19 national news