25 December, 2025 01:00 PM IST | sabarkantha | Gujarati Mid-day Correspondent
અરાવલીની પર્વતમાળાને કારણે રણપ્રદેશ આગળ વધતો અટકે છે અને પાણીને રિચાર્જ થવામાં મદદ મળતાં ઇકોસિસ્ટમનું રક્ષણ થાય છે.
કેન્દ્ર સરકારે અરાવલી પર્વતમાળાનો નાશ કરનારાઓ પર કડક કાર્યવાહી કરતાં સમગ્ર અરાવલી પર્વતમાળામાં કોઈ પણ પ્રકારના નવા ખાણકામ-લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશ ગેરકાયદે ખાણકામ અને માફિયાશાસન પર અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી દર્શાવે છે. અરાવલીની પર્વતમાળાને કારણે રણપ્રદેશ આગળ વધતો અટકે છે અને પાણીને રિચાર્જ થવામાં મદદ મળતાં ઇકોસિસ્ટમનું રક્ષણ થાય છે.
પર્યાવરણ મંત્રાલયે રાજ્ય સરકારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અરાવલીના કોઈ પણ ભાગમાં કોઈ નવી ખાણકામ-પરમિટ આપવામાં આવશે નહીં. આ નિયમ સમગ્ર લૅન્ડસ્કેપ પર સમાન રીતે લાગુ થશે. એનો ઉદ્દેશ્ય અનિયંત્રિત ખાણકામને કાયમી ધોરણે સમાપ્ત કરવાનો છે.
મોદી સરકારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ફૉરેસ્ટ્રી રિસર્ચ ઍન્ડ એજ્યુકેશન (ICFRE)ને એક મહત્ત્વપૂર્ણ કાર્ય સોંપ્યું છે. ICFRE સમગ્ર અરાવલી પ્રદેશમાં વધારાના વિસ્તારો ઓળખશે જ્યાં ખાણકામ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોવું જોઈએ. આ કાર્ય ઇકોલૉજી અને ભૂસ્તરશાસ્ત્રને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવશે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ યોજના જાહેર જનતા સમક્ષ પણ રજૂ કરવામાં આવશે.
હાલની ખાણોનું શું થશે?
સરકારે હાલમાં કાર્યરત ખાણોને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો નથી, પરંતુ એનાં નિયંત્રણો કડક કર્યાં છે. આદેશમાં જણાવાયું છે કે રાજ્ય સરકારો હાલમાં કાર્યરત ખાણોમાં પર્યાવરણીય નિયમોનો કડક અમલ કરશે. પર્યાવરણીય નુકસાનને ઓછું કરવા માટે હાલની ખાણકામ પ્રવૃત્તિઓ પર વધારાનાં નિયંત્રણો લાદવામાં આવશે.