✕

થાણે કોસ્ટલ રોડ 2ને લીધે ૬૮૦ મૅન્ગ્રોવ્ઝ કાયમ માટે થશે નષ્ટ

24 October, 2026 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લૅમિંગો અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોનમાંથી પસાર થશે ૭.૧૨ કિલોમીટર લાંબો રોડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટી (MCZMA) દ્વારા ૭.૧૨ કિલોમીટર લાંબા થાણે કોસ્ટલ રોડ 2 પ્રોજેક્ટને થાણે ક્રીક ફ્લૅમિંગો સૅન્ક્ચ્યુઅરીના ઇકો-સેન્સિટિવ ઝોનમાંથી પસાર થતા એના મૂળ રૂટ પર જ મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણયને પગલે ૬૮૦ મૅન્ગ્રોવ્ઝનું કાયમ માટે નિકંદન નીકળી જશે.
વેટલૅન્ડના કન્ઝર્વેશન માટે આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત રામસર સાઇટની યાદીમાં આવતા આ સ્થળને બાયપાસ કરવા માટે અન્ય કોઈ વ્યવહારુ વિકલ્પ ઉપલબ્ધ ન હોવાની મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ની રજૂઆત સ્વીકારીને ઑથોરિટીએ આ પ્રસ્તાવને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય સમક્ષ મંજૂરી માટે મોકલવાની ભલામણ કરી છે.

આ ૭.૧૨ કિલોમીટર લાંબો ગ્રીનફીલ્ડ રોડ મુલુંડ-ઈસ્ટમાં આનંદનગરથી થાણેના બાળકુમ સુધી થાણે ખાડીના કિનારે જોડશે. 

MMRDA દ્વારા હાથ ધરવામાં આવેલા થાણે કોસ્ટલ રોડ 2 પ્રોજેક્ટ હેઠળ સમગ્ર વિસ્તારમાં કુલ ૩૭૫૪ મૅન્ગ્રોવ્ઝ પ્રભાવિત થશે. બેઠકની વિગતો મુજબ આશરે ૧.૭ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલાં ૬૮૦ મૅન્ગ્રોવ્ઝ કાયમ માટે નષ્ટ થઈ જશે, કારણ કે એ એલિવેટેડ રોડના પિલર્સ જ્યાં ઊભા કરવાના છે એ જગ્યામાં આવી રહ્યાં છે. અન્ય ૧૦૫૩ મૅન્ગ્રોવ્ઝને બાંધકામ દરમ્યાન નુકસાન થશે અને કામ પૂરું થયા બાદ એને પુનઃ સ્થાપિત કરવામાં આવશે, જ્યારે બાકીનાં ૨૦૨૧ વૃક્ષોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર યથાવત્ રાખવામાં આવશે.

mumbai news mumbai thane thane municipal corporation maharashtra news