મળો ખરા કોરોના લડવૈયાને

08 May, 2021 11:41 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

કૉલેજના સ્પોર્ટ્સ ટીચરે શરૂ કરેલા અભિયાનમાં ૨૫,૦૦૦ લોકો જોડાયા છે અને તેમણે અત્યારના કપરા સમયમાં કોરોનાના દરદીઓને ૬૦૦ પ્લાઝમાની સાથે ૩૦૦ બૉટલ લોહી ભેગું કરી આપ્યું છે

પાલઘરના શિક્ષક કિરણ થોરાત અનેક રક્તદાન શિબિરનું આયોજન કરીને કોરોનામાં લોકોને લોહી અને પ્લાઝમા માટે મદદ પૂરી પાડી રહ્યા છે

સત્કારાત્મક રહીને વિચારો તો દરેક કામ શક્ય બની શકે એમ છે એ લાઇનને પાલઘરના રમતગમતના શિક્ષક કિરણ થોરાતે સત્ય સાબિત કરી દેખાડી છે. તેમણે કોરોનામાં ૩૦૦થી વધુ દરદીઓને લોહી અને ૬૦૦થી વધુ દરદીઓને પ્લાઝમા ઉપલબ્ધ કરાવી આપીને તેમનો જીવ બચાવ્યો છે. આ શિક્ષક દ્વારા ઉપલબ્ધ કરાયેલા લોહી અને પ્લાઝમાનો લાભ મુંબઈ, પુણે, નાશિક અને કેટલાક અન્ય જિલ્લાઓના દરદીઓએ લીધો છે. તેમના દ્વારા કરાઈ રહેલા આ કાર્યની સાર્વત્રિક પ્રશંસા થઈ રહી છે. તેમણે પણ ૧૮ વર્ષની ઉંમરથી અત્યાર સુધીમાં ૮૯ વખત રક્તદાન કર્યું છે. ૪૭ વર્ષના કિરણ થોરાત પાલઘરની દાંડેકર કૉલેજમાં સ્પોર્ટ્સના શિક્ષક છે. ત્યાં તેઓ એક દાયકાથી રમતો શીખવે છે. ૨૦૨૦ના માર્ચ મહિનાથી કોરોનાના ફેલાવા અને એના દરદીઓ માટે લોહી અને પ્લાઝમાની વધતી જતી માગણીને ધ્યાનમાં રાખીને તેમણે ૧૬થી વધુ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. સોશ્યલ મીડિયા વૉટ્સઍપ અને ફેસબુક પર એક ગ્રુપ બનાવીને તેમણે યુવાનોને જોડાવાની અને લોહી તથા પ્લાઝમા દાન કરીને કોરોનાના દરદીઓના જીવ બચાવવાની અપીલ કરી હતી. આજે તેમના સોશ્યલ મીડિયા સાથે લગભગ ૨૫,૦૦૦ લોકો જોડાયેલા છે અને જરૂર પડે ત્યારે તમામ પ્રકારની સેવા કરવા આગળ આવી શકે એમ છે.

આની પ્રેરણા ક્યાંથી મળી એ વિશે કિરણ થોરાતે ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘મને સેવાનાં કામ કરવાની પ્રેરણા મારા સ્વર્ગીય પિતા ગજાનન થોરાટ તરફથી મળી છે. મારા પિતા સરકારી હૉસ્પિટલમાં ઍમ્બ્યુલન્સ ડ્રાઇવર હતા. મારા પિતાએ અનેક દરદીઓને સમયસર હૉસ્પિટલમાં પહોંચાડીને તેમને અંત સુધી મદદ કરીને તેમનો જીવ બચાવ્યો છે અને આ બધું જોઈને સમાજ માટે નિ:સ્વાર્થ ભાવનાએ કંઈ કરવું જોઈએ એ જ મારા જીવનનું પણ લક્ષ્ય છે. મારી આજની યુવા પેઢીને પણ અપીલ છે કે પોતાનાં બધાં કામો સાથે સમાજનાં હિતમાં કંઈ ને કંઈ કરવું જરૂરી છે. રક્તદાન અને પ્લાઝમા દાન એક મહાન દાન છે. એ કોઈ વ્યક્તિના જીવનની રક્ષા કરી શકે છે. રક્તદાન કરવાથી શરીર પર કોઈ વિપરીત અસર થતી નથી. દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉસ્માનાબાદ, મહારાષ્ટ્ર જેવાં અનેક રાજ્યોથી પ્લાઝમા માટે સતત ફોન આવતા હોય છે. આગામી ત્રણ દિવસમાં હું અન્ય એક શિબિરનું આયોજન કરવાનો છું.’

mumbai mumbai news coronavirus covid19 palghar preeti khuman-thakur