રામલલાના લલાટ પર પાંચ મિનિટ સુધી રહ્યું સૂર્યતિલક

18 April, 2024 07:23 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

અયોધ્યામાં દિવ્ય સૂર્યાભિષેક જોવા ઊમટી પડ્યા રામભક્તો

રામલલાના લલાટ પર કરાયેલું સૂર્યતિલક

સૂર્યતિલકનો આઇડિયા નરેન્દ્ર મોદીનો અયોધ્યા રામ ટેમ્પલ કન્સ્ટ્રક્શન કમિટીના ચૅરમૅન નૃપેન્દ્ર મિશ્રાએ ગઈ કાલે કહ્યું હતું કે રામનવમીના દિવસે રામલલાને સૂર્યતિલક કરવાનો આઇડિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હતો. દર વર્ષે રામનવમીના દિવસે રામલલાને સૂર્યતિલક કરવામાં આવશે.

અયોધ્યાના રામમંદિરમાં રામલલાના કપાળ પર સૂર્યતિલક થવાની ઘટના અભૂતપૂર્વ હતી અને લગભગ પાંચ મિનિટ સુધી સૂર્યકિરણો રામલલાના લલાટ પર રહ્યાં હતાં અને ખૂબ જ સુંદર સૂર્યતિલક થયું હતું. આ દિવ્ય ઘડીનાં દર્શન કરવા માટે મંદિરમાં લાખો રામભક્તોની મેદની ઊમટી પડી હતી.

બપોરે ૧૨.૦૬ વાગ્યે આસ્થા અને વિજ્ઞાનના સંગમથી રામલલાનો સૂર્યાભિષેક પાર પડ્યો હતો. મંદિરમાં આ દૃશ્ય એકદમ અદ્ભુત હતું અને એ સમયે મંદિરમાં મંત્રોચ્ચાર થતો હતો. લલાટ પર સૂર્યનાં કિરણો ઝગમગ થઈ રહ્યાં હતાં. મંદિરમાં આ બહુ જ ભવ્ય અને દિવ્ય નઝારો હતો અને ભાવિકોમાં ઉત્સાહ સમાતો નહોતો.

ત્રણ માળના રામમંદિરમાં સૌથી ઉપરના ત્રીજા માળે એક દર્પણ ફિટ કરવામાં આવ્યું હતું જ્યાં બપોરે ૧૨ વાગ્યે સૂર્યનાં કિરણો પડ્યાં હતાં અને એ ૯૦ ડિગ્રી પરાવર્તિત થઈને એક પિત્તળની પાઇપમાં મોકલવામાં આવ્યાં હતાં. આ પાઇપમાં ત્રણ લેન્સ ફિટ કરવામાં આવ્યા હતા જેમાંથી સૂર્યનાં કિરણો પસાર થયા બાદ એની તીવ્રતા વધી ગઈ હતી અને આ કિરણો પાઇપમાંથી બહાર નીકળીને ૯૦ ડિગ્રીથી પરિવર્તિત થઈ એક દર્પણ પર પડ્યાં હતાં અને આ દર્પણ પરથી સૂર્યનાં કિરણો ફરી ૯૦ ડિગ્રીથી પરાવર્તિત થઈને રામલલાના લલાટને શોભાવી રહ્યાં હતાં. રામલલાના કપાળ પર ૭૫ મિલીમીટરનું ગોળાકાર તિલક થયું હતું અને લગાતાર પાંચ મિનિટ સુધી દીપાયમાન રહ્યું હતું.

આ ઘટના જ્યારે સંપન્ન થઈ ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામમાં નલબાડી વિસ્તારમાં ચૂંટણીસભાને સંબોધી રહ્યા હતા અને ત્યાર બાદ ઑનલાઇન માધ્યમથી તેઓ આ અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા. તેમણે આ અદ્ભુત પળના સાક્ષી બનવા માટે દેશ અને દુનિયાના લોકોને આહ‌્વાન કર્યું હતું. ‘વડા પ્રધાને સોશ્યલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું કે મારી નલબાડીની સભા બાદ મેં રામલલાના લલાટ પર થયેલું સૂર્યતિલક જોયું. કરોડો ભારતીયોની જેમ જ મારા માટે પણ આ ક્ષણ ભાવુક હતી. અયોધ્યામાં રામનવમીની ઉજવણી ઐતિહાસિક છે. હું એવી પ્રાર્થના કરું છું કે આ સૂર્યતિલક આપણા જીવનમાં શક્તિનો સંચાર કરે અને આપણા દેશને નવી-નવી સિદ્ધિઓ સર કરવા માટે પ્રેરણા આપતું રહે.’

રામલલાને વિશેષ પરિધાન, ૫૬ પ્રકારના ભોગ ધરાવવામાં આવ્યા

રામલલાને રામનવમીના દિવસે વિશેષ પ્રકારે તૈયાર કરવામાં આવેલાં પીળા પીતાંબરનાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં હતાં. આ સિવાય સોના અને ચાંદીના દોરા પણ વાપરવામાં આવ્યા હતા. આ વસ્ત્રોમાં વૈષ્ણવ સંપ્રદાયમાં વપરાતાં શુભ પ્રતીકોનો વપરાશ કરવામાં આવ્યો હતો. આ વસ્ત્રો બનાવવામાં વીસથી બાવીસ દિવસનો સમય લાગ્યો હતો. રામલલાને ૫૬ પ્રકારના ભોગ પણ ધરાવવામાં આવ્યા હતા અને એને પ્રસાદ તરીકે વિતરિત કરી દેવામાં આવશે. 

ram navami ram mandir narendra modi ayodhya india national news