વૉટ‍્સઍપને સુપ્રીમ કોર્ટની ચેતવણીઃ ભારતનું બંધારણ ન માનવું હોય તો ભારત છોડી દો

04 February, 2026 07:00 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પ્રાઇવસી પૉલિસીના મુદ્દે ફટકાર, યુઝરોનો ડેટા શૅર નહીં કરીએ એવી લેખિત ખાતરી આપવાનું કહ્યું

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે મંગળવારે વૉટ્સઍપ અને એની પેરન્ટ કંપની મેટાને ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લૅટફૉર્મની ડેટા-શૅરિંગ અને પ્રાઇવસી પૉલિસી અંગે કડક ચેતવણી આપી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે યુઝર ડેટાનો ઉપયોગ વ્યાપારી હેતુઓ માટે કરી શકાતો નથી. સુપ્રીમ કોર્ટે વૉટ્સઍપ અને મેટાને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘જો તમે ભારતના નિયમોનું પાલન ન કરી શકો તો તમે ડેટા-શૅરિંગના નામે આ દેશના પ્રાઇવસીના અધિકાર સાથે રમી શકતા નથી. જો તમે અમારા નિયમોનું પાલન ન કરી શકો તો ભારત છોડી દો. તમને દેશના નાગરિકોના પ્રાઇવસીના અધિકારોનું ઉલ્લંઘન કરવાની મંજૂરી નહીં આપીએ.’ 

ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે અમેરિકન કંપનીને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘તમે અમારા દેશની પ્રાઇવસી સાથે રમી શકતા નથી. અમે તમને અમારા ડેટાનો એક પણ અંશ શૅર કરવાની મંજૂરી આપીશું નહીં.’

સુપ્રીમ કોર્ટે કંપનીને એવું ઍફિડેવિટ ફાઇલ કરવા કહ્યું છે જેમાં જણાવવામાં આવ્યું હોય કે તેઓ ડેટા શૅર કરશે નહીં.

સુપ્રીમ કોર્ટ નૅશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના ચુકાદા સામે મેટા પ્લૅટફૉર્મ્સ અને વૉટ્સઍપ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં વૉટ્સઍપની ૨૦૨૧ની પ્રાઇવસી પૉલિસી પર કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI) દ્વારા લાદવામાં આવેલા ૨૧૩.૧૪ કરોડ રૂપિયાના દંડને સમર્થન આપવામાં આવ્યું હતું. CCIએ NCLATના આદેશને પડકારતી ક્રૉસ-અપીલ પણ દાખલ કરી હતી જેમાં મેટા અને વૉટ્સઍપને જાહેરાત માટે યુઝર ડેટા શૅર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મિનિસ્ટ્રી (MeitY)ને અરજીમાં પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કંપનીઓને ચેતવણી આપી છે કે કાં તો તેઓ લેખિત ખાતરી આપે કે તેઓ ડેટા શૅર કરશે નહીં અથવા કોર્ટને આદેશ પસાર કરવો પડશે. બેન્ચે જણાવ્યું હતું કે ૯ ફેબ્રુઆરીએ વચગાળાનો આદેશ જાહેર કરવામાં આવશે.

કોર્ટે ઉઠાવ્યા અનેક મહત્ત્વપૂર્ણ સવાલ


- સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે વૉટ્સઍપના બજાર-પ્રભુત્વને કારણે યુઝર્સ પાસે મર્યાદિત વિકલ્પ છે. શું લોકો કંપનીની જટિલ પ્રાઇવસી પૉલિસીને સમજી શકે છે? યુઝર્સની સંમતિ ફક્ત ત્યારે જ માન્ય છે જો એ સ્પષ્ટ અને સમજી શકાય એવી હોય. વ્યક્તિગત માહિતી ચોરી કરવાની આ એક ‘સંસ્કારી રીત’ છે જેને અમે થવા દઈશું નહીં.
- સરકારનું પ્રતિનિધિત્વ કરતા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે યુઝર્સ ડેટા ફક્ત એકત્રિત કરવામાં આવી રહ્યો નથી, પરંતુ એનો વ્યાપારી રીતે ઉપયોગ પણ થઈ રહ્યો છે. કોર્ટે એ પણ સવાલ કર્યો હતો કે વૉટ્સઍપ-લક્ષિત જાહેરાતો માટે વપરાશકર્તા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે.
- પોતાના અનુભવને ટાંકીને ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે આરોગ્ય સંબંધિત મેસેજ મોકલ્યા પછી જાહેરાતો દેખાય છે જે ડેટાના ઉપયોગ પર સવાલ ઊભા કરે છે.


શાકભાજી વેચનાર કેવી રીતે સમજી શકશે?

વૉટ્સઍપનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ દલીલ કરી હતી કે યુઝર્સ પાસે ડેટા-શૅરિંગનો ઇનકાર કરવાનો વિકલ્પ છે અને જો યુઝર કોઈ શરતો સ્વીકારવા માગતો નથી તો તેણે સર્વિસનો ઉપયોગ ન કરવો જોઈએ. જોકે કોર્ટ આ દલીલથી સંતુષ્ટ નહોતી. ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે સવાલ કર્યો હતો કે ‘તમે કેવા પ્રકારના વિકલ્પો આપી રહ્યા છો? શું સરેરાશ વ્યક્તિ ખરેખર આ શરતોને સમજે છે? રસ્તાની બાજુમાં શાકભાજી વેચનારો કે રસ્તા પર ફળ વેચતી ગરીબ મહિલા તમારા નિયમો અને શરતો કેવી રીતે સમજી શકશે? શું કંપનીઓને તેઓ જે જટિલ ભાષાનો ઉપયોગ કરે છે એનો કોઈ ખ્યાલ છે? આવી કાનૂની ભાષા સામાન્ય લોકો માટે સમજવામાં સરળ નથી. નીતિ ખૂબ જ ચતુરાઈથી ઘડવામાં આવી હોય એવું લાગે છે.’

national news india whatsapp technology news tech news information technology act supreme court