21 October, 2026 09:19 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ
તામિલનાડુનાં મંદિરોની મિલકત વિશે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ‘સરકાર મંદિરની સંપત્તિની માત્ર રક્ષક છે, પરંતુ એ ક્યારેય એની માલિક નથી. મંદિરની મિલકત પર માત્ર ને માત્ર ભગવાનનો જ અધિકાર છે. સરકાર કોઈ પણ જાહેર હેતુનું બહાનું ધરીને ક્યારેય મંદિરની મિલકત પચાવી શકે નહીં.’
૧૬ ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. આ સમગ્ર વિવાદ તામિલનાડુના ઇરોડ જિલ્લામાં આવેલા નાગપલયમ મરિયમ્મન-પોન્નાચિયમ્મન મંદિરની એક એકર ૧૦ સેન્ટ જમીનનો હતો. ૨૦૨૭માં એક હંગામી ટ્રસ્ટીએ તાલુકા કચેરી બનાવવા માટે આ કીમતી જમીન સરકારને ભેટમાં આપી દીધી હતી. મદ્રાસ હાઈ કોર્ટે પણ માર્ચ ૨૦૧૯માં આ નિર્ણયને સંપૂર્ણપણે યોગ્ય ગણાવ્યો હતો.
જોકે સુપ્રીમ કોર્ટે આ ભેટને હવે સંપૂર્ણપણે ગેરકાયદે અને રદબાતલ ગણાવી હતી. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે દાનમાં મળેલી મિલકતની ભેટ આપવી કાયદેસર રીતે અયોગ્ય છે. જોકે આ જમીન પર પહેલેથી જ સરકારી ખર્ચે ઑફિસ બની ગઈ હોવાથી કોર્ટે એને તોડી પાડવાનો કોઈ આદેશ નથી આપ્યો, પરંતુ એનું માસિક ભાડું ૧૩,૨૩૫ રૂપિયાથી વધારીને સીધું ૩૧,૦૦૦ રૂપિયા કરી દીધું છે. કોર્ટે મંદિરને ૨૦૧૯ની ૮ માર્ચથી આ નવું ભાડું ચૂકવવા કહ્યું છે અને સાથે જ એક લાખ રૂપિયાનો વધારાનો દંડ પણ ફટકાર્યો હતો.