અભ્યાસ કરો, અરજી નહીં : સર્વોચ્ચ અદાલત

21 September, 2021 09:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્કૂલો શરૂ કરવાની બાળકે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

પ્રતીકાત્મક તસવીર

દેશનાં ઘણાં રાજ્યોમાં હાલ કોરોનાને કારણે સ્કૂલો બંધ છે. આ સ્કૂલોને ખોલવાની માગને લઈને એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી માટે વકીલને ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજીને રદ કરતાં કહ્યું હતું કે ‘બાળકોએ પોતાના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ, નહીં કે અરજી દાખલ કરવા પર. ઘણી વખત સગીર વયનાં બાળકોના નામ પર અરજીઓ દાખલ કરવામાં આવે છે જેથી કોર્ટની સહાનુભતિ જીતી શકાય. જસ્ટિશ ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘હું એમ નથી કહેતો કે આ અરજી પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી છે, પરંતુ તમે જાતે જ જોઈ લો. આ અરજીનો હેતુ શું છે?’

૧૨ વર્ષના સ્ટુડન્ટ અમર પ્રેમ પ્રકાશે સુપ્રીમ કોર્ટને દેશભરમાં સ્કૂલો ફરી શરૂ કરવા અને સામાન્ય રીતે અભ્યાસ શરૂ કરવાની માગણી કરી હતી. આ અંગે જસ્ટિશ ચંદ્રચુડે કહ્યું હતું કે ‘સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય સરકારનો હોય છે. એમણે દરેક રાજ્યોની પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવાનો હોય છે. કેરલા અને દિલ્હીની હાલત અલગ-અલગ છે. આમાં કોઈ એક આદેશ કઈ રીતે આપી શકાય. વળી હજી સુધી બાળકોને કોઈ વૅક્સિન પણ નથી આપવામાં આવી. સ્કૂલ ખોલવાનો નિર્ણય સરકાર લેશે’ અરજીમાં આવી દલીલ કરવામાં આવી હતી. કોરોનાને કારણે ૨૦૨૦ના માર્ચથી જ સ્કૂલો બંધ છે, જેની સ્ટુડન્ટ્સ પર ખરાબ માનસિક અસર પડી છે.

national news new delhi supreme court