વડા પ્રધાનની સુરક્ષાભંગના મામલે સુપ્રીમ કોર્ટની સમિતિ કરશે તપાસ

11 January, 2022 08:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર તથા રાજ્ય સરકારે બનાવેલી કમિટીને આગળની કાર્યવાહી કરતી રોકવામાં આવી

ફાઈલ તસવીર

ગયા અઠવાડિયે પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂકની તપાસ માટે સુપ્રીમ કોર્ટ ગઈ કાલે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજની આગેવાની હેઠળ પૅનલનું ગઠન કરવા સહમત થઈ હતી. 
સમગ્ર ઘટનાની વિગતવાર જાણકારી મેળવ્યા બાદ ચીફ જસ્ટિસ એન.વી. રમણાની આગેવાની હેઠળની જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની બેન્ચે કહ્યું હતું કે ‘કોર્ટ આ બાબતે તપાસ કરવા માટે ટોચની કોર્ટના નિવૃત્ત જજોની પૅનલનું ગઠન કરી પૂછપરછ કરશે તથા કેન્દ્ર અને પંજાબ સરકારને હાલ તુરત તેમની તપાસ આગળ ન વધારવા આદેશ આપ્યો હતો. 
આ બાબતમાં વિગતવાર તપાસના આદેશ આપવામાં આવશે, એમ જણાવતાં સુનાવણી દરમ્યાન બેન્ચે મૌખિક કહ્યું હતું કે પૅનલના અન્ય સભ્યોમાં ડીજીપી-ચંડીગઢ, આઇજી- એનઆઇએ, રજિસ્ટ્રાર જનરલ (પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટ) અને ઍડિશનલ ડીજીપી  (સુરક્ષા) – પંજાબનો સમાવેશ કરાશે. કમિટીને ટૂંકી મુદતમાં પોતાનો અહેવાલ સબમિટ કરવા અનુરોધ કરાશે. 
પંજાબ સરકારનું પ્રતિનિધિત્વ કરતા ઍડ્વોકેટ જનરલ ડી.એસ. પટવાલિયાએ તેના ચીફ સેક્રેટરી અને ડીજીપીને મળેલી કારણદર્શક નોટિસ સામે ફરિયાદ કરતાં સ્વતંત્ર કમિટી નીમવા વિનંતી કરી હતી. તેઓએ કોર્ટને જણાવ્યું હતું કે જો હું ખોટો હોઉં તો મને ફાંસીએ ચડાવો, પરંતુ મને સાંભળ્યા વિના મારી ટીકા ન કરો. 
કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કારણદર્શક નોટિસને યોગ્ય ઠરાવતી દલીલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે કેન્દ્રના વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં પ્રશ્ન કર્યો હતો કે જો કેન્દ્ર પોતાની રીતે જ આગળની કાર્યવાહી કરવા માગતું હોય તો કોર્ટને આ બાબતની તપાસ કરવાનું કહેવાનો શો અર્થ છે. 

સુપ્રીમ કોર્ટના વકીલોને ખાલિસ્તાની ગ્રુપોની ધમકી 

સુપ્રીમ કોર્ટના અનેક વકીલોએ ગઈ કાલે એવો દાવો કર્યો હતો કે તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકના કેસમાં સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકારને મદદ ન કરવા માટે જણાવતો રેકૉર્ડેડ સંદેશ સાથેનો આંતરરાષ્ટ્રીય કૉલ પ્રાપ્ત થયો હતો.
સુપ્રીમ કોર્ટ ઍડ્વોકેટ્સ ઑન-રેકૉર્ડ અસોસિએશનના પ્રેસિડન્ટ શિવાજી એમ. જાધવે કહ્યું હતું કે અસોસિએશનના એક એક્ઝિક્યુટિવ સભ્યને કૉલ આવ્યો હતો. આ વિશે જાણકારી ધરાવતા લોકોએ કહ્યું હતું કે રેકૉર્ડેડ મેસેજમાં ગયા અઠવાડિયે વડા પ્રધાનનો માર્ગ રોકવા માટેની જવાબદારી પણ લેવામાં આવી હતી. 
સૂત્રોએ જણાવ્યું હતું કે અનેક ઍડ્વોકેટ્સ ઑન-રેકૉર્ડને અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબર પરથી સવારે રેકૉર્ડેડ મેસેજ મળ્યો હતો, જેમાં પંજાબમાં વડા પ્રધાનની સુરક્ષાભંગની જવાબદારી ખાલિસ્તાની સમર્થક ગ્રુપ સિખ્સ ફૉર જસ્ટિસ (એસએફજે)એ લીધી હતી. મેસેજમાં વધુમાં જણાવાયું હતું કે ૧૯૮૪નાં રમખાણો દરમ્યાન થયેલી સિખ સમાજના સભ્યોની હત્યા સંબંધે સર્વોચ્ચ અદાલતે પર્યાપ્ત પગલાં નહોતાં લીધાં. વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘સિખ્સ ફૉર જસ્ટિસ યુએસએ’ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા સંદેશાની ગંભીર નોંધ લેવી જોઈએ.

national news narendra modi supreme court