30 October, 2026 12:57 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
દિવાળી પહેલાં ફટાકડાના મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે એ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તરફેણમાં જરાય નથી. કોર્ટ આ મામલે એકદમ સંતુલિત આદેશ પસાર કરવા જઈ રહી છે જેથી તહેવારોના સમયે લોકોના ઉત્સાહમાં કોઈ જ અડચણ ઊભી ન થાય. સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્ત્વનું સૂચન કરતાં જણાવ્યું હતું કે આજની યુવા પેઢી ફટાકડાના પ્રદૂષણ વિશે પહેલેથી જ જાગૃત છે ત્યારે લોકોમાં વધુ જાગરૂકતા ફેલાવવા માટે માત્ર કાગળ પર આદેશો આપવાને બદલે વિરાટ કોહલી જેવી ખેલજગતની હસ્તીઓની મદદ લેવી જોઈએ.
જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે ગુરુવારે દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં પ્રદૂષણના મામલે સુનાવણી હાથ ધરી હતી. બેન્ચે ટિપ્પણી કરી હતી કે જો જમીની સ્તર પર કડક અમલ ન થતો હોય તો દર વર્ષે માત્ર આદેશ આપવાનો કોઈ જ અર્થ નથી. સરકાર વતી હાજર રહેલા ઍડિશનલ સૉલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કમિશન ફૉર ઍર ક્વૉલિટી મૅનેજમેન્ટ (CAQM) દ્વારા લેવાયેલાં પગલાંની કોર્ટને વિગતવાર માહિતી આપી હતી.
દરમ્યાન, કેન્દ્ર સરકારે ફટાકડામાં બેરિયમના ઉપયોગ વિશે પોતાની આંતરિક ચર્ચા પૂરી કરવા માટે કોર્ટ પાસે વધુ ૩ અઠવાડિયાંના સમયની માગણી કરી હતી. કોર્ટને મદદ કરી રહેલા અમાઇકસ ક્યુરીઈ (કોર્ટના મિત્ર)એ ફટાકડામાંથી નીકળતા ખતરનાક પાર્ટિક્યુલેટ મૅટર (PM)થી માનવ-સ્વાસ્થ્યને થતા નુકસાનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તમામ પક્ષોના સહયોગ વિના પર્યાવરણ અને લોકોના ઉત્સાહ વચ્ચે સંતુલન જાળવવું શક્ય નથી.