દિલ્હીના પ્રદૂષણ મામલે સુપ્રીમની વૉર્નિંગ, ૨૪ કલાકમાં ઉકેલ સૂચવો

03 December, 2021 09:07 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી સરકારે આગામી આદેશ સુધી દિલ્હીમાં તમામ સ્કૂલ્સને બંધ રાખવાની જાહેરાત કરી હતી

નવી દિલ્હીમાં ગઈ કાલે સ્મૉગની સ્થિતિમાં અવરજવર કરતા લોકો. સ્મૉગ એટલે સ્મોક (ધુમાડો) અને ફૉગ (ધુમ્મસ) એમ બે શબ્દોનું કૉમ્બિનેશન. પ્રદૂષિત હવા અને ધુમ્મસ મળીને સ્મૉગ રચાય છે. (તસવીર : એ.એફ.પી.)

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં હવાના પ્રદૂષણ બાબતે વધુ એક વખત ગઈ કાલે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ જણાવ્યું હતું કે ‘અમે ફીલ કરીએ છીએ કે કંઈ પણ થઈ રહ્યું નથી અને પ્રદૂષણ વધતું જ જાય છે. માત્ર સમય વેડફાય છે.’ આ સળંગ ચોથા અઠવાડિયાંમાં અદાલત દિલ્હી અને એની આસપાસનાં સિટીઝમાં આ ક્રાઇસિસ વિશે સુનાવણી હાથ ધરી રહી છે. સ્ટ્રિક્ટ ઍક્શનની વૉર્નિંગ આપતાં અદાલતે કેન્દ્ર, દિલ્હી અને એની આસપાસનાં રાજ્યોને જણાવ્યું હતું કે ‘અમે તમને ૨૪ કલાક આપીએ છીએ. આ મામલે તમે કાળજીપૂર્વક વિચારો અને ગંભીરતાથી કોઈ ઉકેલ સૂચવો એમ અમે ઇચ્છીએ છીએ.’
દરમિયાનમાં દિલ્હી સરકારે આગામી આદેશ સુધી દિલ્હીમાં તમામ સ્કૂલ્સને બંધ રાખવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સ્કૂલ્સમાં ​ફિઝિકલ ક્લાસિસ શરૂ કરવા બદલ દિલ્હી સરકારની ઝાટકણી કાઢ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

national news new delhi supreme court air pollution