મંગળવાર સુધી બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાં પર સ્પીકર કોઈ નિર્ણય ન લે

13 July, 2019 06:35 PM IST  |  નવી દિલ્હી

મંગળવાર સુધી બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાં પર સ્પીકર કોઈ નિર્ણય ન લે

કર્ણાટકમાં કૉન્ગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકારના ૧૬ બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાંનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. શુક્રવારે કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ જણાવ્યું કે તેઓ વિધાનસભામાં વિશ્વાસનો મત માગશે અને તેમણે આ માટે સ્પીકર કે. આર. રમેશકુમારને સમય નિર્ધારિત કરવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટના આદેશના કલાકો બાદ કુમારસ્વામીએ જણાવ્યું કે ‘હું તમામ બાબતો માટે તૈયાર છું અને અહીં સત્તાને વળગી રહેવા માટે નથી. મેં ગૃહમાં વિશ્વાસનો પ્રસ્તાવ મેળવવાનો નિર્ધાર કર્યો છે, મહેરબાની કરીને આનો સમય નક્કી કરવામાં આવે.’

કર્ણાટક વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ થયો છે. બીજેપીના નેતા યેદિયુરપ્પાએ બીજેપીના તમામ ધારાસભ્યોને ગૃહ ચાલે ત્યાં સુધી ફરજિયાત હાજર રહેવા જણાવ્યું છે.

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતાં મંગળવાર સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પીકરને ધારાસભ્યોનાં રાજીનામાં પર નિર્ણય લેવા માટે મંગળવાર સુધીનો સમય આપ્યો છે, જ્યારે હવે આ મામલે આગામી સુનાવણી ૧૬ જુલાઈ મંગળવારે થશે. રાજીનામાં પર કોઈ નિર્ણય લેવામાં નહીં આવે.

જ્યારે આ પહેલાં કોર્ટમાં સુનાવણી દરમ્યાન ફરિયાદીઓએ દલીલ કરતાં કહ્યું છે કે ૧ જુલાઈથી જ અમે રાજીનામું આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ સ્પીકરે અમારાં રાજીનામાં મંજૂર કર્યાં નથી.

મીડિયા-રિપોર્ટ મુજબ બળવાખોર ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે સ્પીકર રાજીનામાં મંજૂર ન કરીને એને અયોગ્ય જાહેર કરવાની કોશિશ કરી રહ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું કે રાજીનામાં પર નિર્ણય લેવાને વિધાનસભા સ્પીકરના અધિકારક્ષેત્રથી કોઈ લેવા-દેવા નથી. સ્પીકરનો ઉદ્દેશ રાજીનામાની પ્રક્રિયાને બાકી રાખીને ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા છે એથી આ પરિસ્થિતિમાં રાજીનામાં બિનઅસરકારક થઈ શકે. જો સ્પીકર રાજીનામાં પર નિર્ણય ન લે તો આ સીધેસીધી કોર્ટની અવગણના છે.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

જ્યારે બીજી તરફ સ્પીકરના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ શરૂ કરી તો ચીફ જસ્ટિસે પૂછ્યું કે શું સ્પીકર સુપ્રીમ કોર્ટના અધિકારીને પડકારી રહ્યા છે? આ વિશે જવાબ આપતાં સિંઘવીએ કહ્યું કે ધારાસભ્યોનો રાજીનામું આપવાનો ઉદ્દેશ અયોગ્ય જાહેર કરવાની કાર્યવાહીથી બચવાનો છે. ૧૯૭૪માં બંધારણ સુધારાના માધ્યમથી આ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે રાજીનામાં પર નિર્ણય લેતાં પહેલાં આ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ યથાર્થ છે.

supreme court