મહારાષ્ટ્ર સદનના મની-લૉન્ડરિંગ કેસમાંથી છગન ભુજબળને મુક્ત કરવામાં આવ્યા

24 January, 2026 01:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૩.૫ કરોડ રૂપિયાની લાંચના કેસમાં ભુજબળ, તેમના પુત્ર અને ભત્રીજાની ડિસ્ચાર્જ-અરજી કોર્ટે સ્વીકારી

ફાઇલ તસવીર

નવી દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનના બાંધકામ સંબંધિત મની-લૉન્ડરિંગ કેસમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા છગન ભુજબળને મુંબઈની કોર્ટે મુક્ત જાહેર કર્યા છે.

૨૦૦૫-’૦૬માં થયેલા એક સોદા દરમ્યાન છગન ભુજબળ રાજ્યના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) મિનિસ્ટર હતા ત્યારે તેમણે મહારાષ્ટ્ર સદનનો કૉન્ટ્રૅક્ટ એક કંપનીને આપ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના દાવા મુજબ છગન ભુજબળ અને તેમના પરિવારના સભ્યોએ આ કૉન્ટ્રૅક્ટ માટે કે. એસ. ચમનકર પાસેથી લાંચ લીધી હતી. તપાસ-એજન્સીએ દાવો કર્યો હતો કે કન્સ્ટ્રક્શન કંપનીએ એવી કંપનીઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા જેમાં છગન ભુજબળનો પુત્ર પંકજ ભુજબળ અને ભત્રીજો સમીર ભુજબળ ડિરેક્ટર હતા.

શુક્રવારે પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) કોર્ટના જજે છગન ભુજબળ અને કેસમાં સંડોવાયેલા અન્ય ૪૫ આરોપીઓની ડિસ્ચાર્જ-અરજી સ્વીકારી હતી.

EDનો કેસ NCPના નેતા અને તેમના સંબંધીઓ સામે ઍન્ટિ-કરપ્શન બ્યુરો દ્વારા નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) પર આધારિત છે. મહારાષ્ટ્ર સદનનો મૂળ ખર્ચ અંદાજે ૧૩.૫ કરોડ રૂપિયા હતો, પરંતુ પાછળથી વધારીને ૫૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. EDના જણાવ્યા મુજબ છગન ભુજબળને કંપની પાસેથી ૧૩.૫ કરોડ રૂપિયાની લાંચ મળી હતી, જેણે મહારાષ્ટ્ર સદનના બાંધકામ અને અન્ય PWD કાર્યોમાંથી લગભગ ૧૯૦ કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો.

છગન ભુજબળ, તેમના પુત્ર પંકજ ભુજબળ, ભત્રીજા સમીર ભુજબળ અને પાંચ અન્ય લોકોને ૨૦૨૧માં ઍન્ટિ-કરપ્શન બ્યુરોના કેસમાં મુક્ત કરવામાં આવ્યા હતા.

chhagan bhujbal nationalist congress party enforcement directorate bombay high court new delhi maharashtra news mumbai mumbai news